Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

સુરતમાં ગેંગવોરનું ભૂત ધુણ્યુઃ ૩ સાગરીતોએ ૨ રાઉન્ડ ફાયરીંગ કરીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો

સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી ગેંગવોરનું ભૂત ધૂણ્યું છે. લાંબા સમયથી ચાલી આવતી બે ગેંગ વચ્ચેની દુશ્મનાવટમાં અન્ય ગેંગના ત્રણ સાગરીતોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી યુવકને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઈ છે. હત્યાની ઘટના બાદ પાંડેસરા પોલીસ, સુરત ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી તેમજ ડીસીપી અને જોઈન્ટ પોલીસ કમિશનર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક યુવકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડી પ્રોસેસ શરૂ કરી હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ તેરે નામ ચોકડી નજીક સચિન મિશ્રા નામના યુવકની ત્રણ જેટલા અજાણ્યા શખ્સો દ્વારા બંદૂકથી બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરી દેવામાં આવી છે. સચીન નામનો યુવક પોતાના બચાવ માટે નજીકમાં આવેલા પરિવારના મકાનમાં ઘૂસી ગયો હતો. જોકે ત્યાં પણ ત્રણેય હત્યારા પહોંચી ગયા હતા અને સચિન મિશ્રાના ગળાના ભાગે બે જેટલા રાઉન્ડ ફાયરીંગ કરી મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ સ્થાનિક પોલીસ સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી, એસઓજી તેમજ ડીસીપી અને જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક સચિન મિશ્રા હાલ જ બે દિવસ અગાઉ સુરતની લાજપોર જેલમાંથી છૂટી બહાર આવ્યો હતો. અગાઉ એક ગુનામાં સચીન મિશ્રાની શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. છેલ્લા બે માસથી તે લાજપોર જેલમાં બંધ હતો. જોકે જામીન પર બે દિવસ અગાઉ જ બહાર આવ્યો હતો. બહાર આવતા તેની હત્યા કરી દેવામાં આવી છે. સચીન મિશ્રા ગેંગનો સાગરિત છે. જ્યાં અન્ય એક ગેંગ સાથે તેની જૂની દુશ્મનાવટ ચાલી આવી હતી. જેની અદાવતમાં અન્ય ગેંગના ત્રણ જેટલા સાગરીતોને ગળાના ભાગે બે રાઉન્ડ ફાયરિંગ કરી હતી તેવુ સુરત સેક્ટર 1ના જોઈન્ટ પોલીસ કમિશનર ડીએન પટેલે જણાવ્યું.

ઘટનાની જાણ પરિવારજનોને થતા જ તેમના પગ તળેથી જમીન સરકી પડી હતી. મૃતકની બહેન સહિતના પરિવારના સભ્યો ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા અને ભારે કલ્પાંત કર્યો હતો. બીજી તરફ હત્યારાઓનું પગેરું મેળવવા પોલીસે નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા ખંગોળવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ સવાલ અહીં એ થાય કે, સુરતમાં શહેરમાં ગુનેગારો પ્રત્યે પોલીસની પકડ શા માટે ઢીલી પડી રહી છે? જેના કારણે ફાટીને ધુમાડે ગયેલા આરોપીઓ પોતાના ગુનાને અંજામ આપવામાં પણ હાલ સફળ થઈ રહ્યા છે. ત્યારે લોકોની ભારે અવરજવર વચ્ચે બનેલી આ ઘટનાએ સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉભા કર્યા છે.

(4:24 pm IST)