Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

મધુ શ્રીવાસ્તવે પત્રકારોને ગાળો બોલી કેમેરા ખેંચ્યા

મધુ શ્રીવાસ્તવની દાદાગીરીને લઇ ફરી વિવાદ : મહેસુલ મંત્રી કૌશિક પટેલ તેમજ અધિકારીઓથી નારાજ મધુ શ્રીવાસ્તવ પત્રકારો ઉપર ભડક્યા : નવેસરથી વિવાદ

અમદાવાદ, તા.૨૪ : વડોદરાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજ થયા છે. આ મુદ્દે મીડિયાકર્મીઓએ સવાલ પૂછતા ભાજપના મધુ શ્રીવાસ્તવ મીડિયા કર્મીઓ પર ગુસ્સે થઇ ગયા હતા અને ધક્કો મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. એક તબક્કે મધુ શ્રીવાસ્તવે પોતાની જાત પરનો સંયમ ખોઇને પત્રકારોને અપશબ્દો-ગંદી ગાળો દઈ કેમેરા ખેંચ્યા હતા. જેને પગલે બહુ ગંભીર વિવાદ સર્જાયો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં હનુમાનજી મંદિરના કામ માટે પાલિકા અને કલેક્ટરે મંજૂરી આપ્યા બાદ મહેસૂલ વિભાગમાં ફાઇલ અટવાઇ જતા મધુ શ્રીવાસ્તવ નારાજ થયા છે, ત્યારબાદ મીડિયાકર્મીઓએ તેમના પર સવાલોનો મારો કરતા તેઓ મીડિયાકર્મીઓ પર ગુસ્સે થઇ ગયા હતા. મધુ શ્રીવાસ્તવે પોતાની જાત પરનો સંયમ ખોઇને પત્રકારોને અપશબ્દો-ગંદી ગાળો દઈ કેમેરા ખેંચ્યા હતા.

           કોંગ્રેસે હનુમાન મંદિર ગેરકાયદે બનવુ હોવા અંગેનો સવાલ ઉઠાવ્યો હતો. આ સવાલ મીડિયા કર્મીઓએ મધુ શ્રીવાસ્તવને કરતા તેઓએ મીડિયાકર્મીઓ સાથે ગાળાગાળી કરી હતી. આ પહેલા મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મહાદેવ તળાવમાં હનુમાનજીના મંદિરની કોઇ મેટર કોર્ટમાં નથી. કૌશિકભાઇએ મંજૂરી આપી દેવી જોઇએ. બધા અધિકારીઓ ખોટા છે અને અધિકારીઓ કૌશિકભાઇને ઉંધા માર્ગે લઇ જઇ રહ્યા છે અને હું જીવુ છુ ત્યાં સુધી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરીશ. પહેલેથી પોતાના ખરાબ વ્યવહારને કારણે જાણીતા આ ધારાસભ્ય સામે ખુદ ભાજપ પક્ષ પણ કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે એક પ્રજાના સંસ્કારોની વાત કરતી ભાજપ સરકાર દ્વારા કેમ આ નેતા ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવતી. શું ધારાસભ્ય છે એટલે કાંઈપણ બોલવાનો હક મળી જાય છે?

(8:49 pm IST)