Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

કોંગ્રેસે વોટબેંકની રાજનીતિ કરી દેશને તોડવાનું કાર્ય કર્યું : મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગાંધી આશ્રમ ખાતે કાનૂનના સમર્થનમાં પ્રચંડ કાર્યક્રમ યોજાયો : કાનૂનથી દેશમાં રહેતા મુસ્લિમોની નાગરિકતાને કોઇપણ અસર થનારી નથી કોંગ્રેસને લોકો ઓળખી ચુક્યા છે જેથી ૨૦૧૯ની ચૂંટણીમાં અપાયેલો જાકારો

અમદાવાદ, તા. ૨૪ : દેશના જુદા જુદા ભાગોમાં નાગરિક સુધારા કાનૂનની સામે થઇ રહેલી વિરોધ પ્રદર્શનની સામે હવે ભારતીય જનતા પાર્ટીએ પણ આક્રમક વલણ અપનાવ્યું છે. આના ભાગરુપે નાગરિકતા સુધારા અધિનિયમને સમર્થન આપવા માટે આજે ભાજપે ગુજરાતના તમામ ૩૩ જિલ્લાઓમાં કાર્યક્રમો અને રેલીઓ યોજી હતી જેમાં ભાજપના તમામ વરિષ્ઠ નેતાઓ જોડાયા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા. રેલી અને દેખાવો પણ યોજાયા હતા. નાગરિક સમિતિઓ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંઘના લોકો પણ જોડાયા હતા. મુખ્ય કાર્યક્રમ અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ આ સંદર્ભે સંબોધન કરતા કહ્યું હતું કે, લોકો આને સમર્થન આપે તેવી અમારી અપીલ છે. નાગરિકતા સુધારા કાનૂન શરણાર્થીઓને સન્માન આપવા સાથે સંબંધિત છે. કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ અપનાવીને દેશને તોડવાનું કામ વર્ષોથી કરી રહી છે. તેમણે ખાતરી આપતા કહ્યું હતુંકે, બિલથી ભારતમાં રહેતા મુસ્લિમ નાગરિકોને કોઇપણ અસર થનાર નથી.

              મતબેંક માટે ગીધડ વૃત્તિ ધરાવતા કોંગ્રેસને જવાબ આપવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં નાગરિકોને ઝડપથી નાગરિકતા આપવાના કાર્યની ગુજરાત સરકારે શરૂઆત કરી દીધી છે. સમર્થન આપવા માટે મોટી સંખ્યામાં પહોંચેલા લોકોને સંબોધતા રૂપાણીએ કહ્યું હતું કે, આપણા બાંધવોને જ્યારે દેશ અપનાવી રહ્યો છે ત્યારે કોંગ્રેસના પેટમાં કેમ તેલ રેડાઈ છે. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને વેધક સવાલો કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ ભારતની એકતા અને અખંડતાને ભૂલી દેશમાં કાનૂન સામે વિરોધ પ્રદર્શન કરે છે. કોંગ્રેસની હલકી માનસિકતાનું પ્રદર્શન દેખાઈ રહ્યું છે. દેશના લોકો કોંગ્રેસને ઓળખી ચુક્યા છે જેથી જ કોંગ્રેસને ૨૦૧૯ની ચૂંટણીમાં લોકોએ જાકારો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, કચ્છમાં મહેશ્વરી, મેઘવાલ જેવી દલિત જાતિઓના મસીહા બનવા નિકળેલા કોંગ્રેસ કાશ્મીરમાં પંડિતો ઉપર અત્યાચાર થઇ રહ્યા હતા ત્યારે ક્યાં હતા. રૂપાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી વોટ બેંક માટે લોકોને ઉશ્કેરવાના કૃત્યો કરે છે. મોદીના નેતૃત્વમાં શરણાર્થીઓને સ્વમાનભેર જીવવાનો અધિકાર મળી રહ્યો છે ત્યારે આનો વિરોધ કેમ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી જાતિવાદની રાજનીતિ કરી દેશના ભાગલા પાડવાનું કામ કરી રહી છે.

              અફવાઓ, જુઠ્ઠી વાતોથી દેશને ગુમરાહ કરવાનું કામ કોંગ્રેસ તરફથી થઇ રહ્યું છે. મોદીએ ૨૦૧૯માં સત્તા સંભાળ્યા બાદ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરી છે. ત્રિપલ તલાકને જાકારો આપ્યો છે. રામ જન્મભૂમિનો માર્ગ મોકળો કર્યો છે. એનસીઆર મારફતે ઘુસણખોરોને દેશનિકાલ કર્યા છે. હવે નાગરિક સુધારા બિલ મારફતે આપણા લોકોને નાગરિકતા આપવામાં આવી રહી છે. કોંગ્રેસ દેશમાં અરાજકતા ફેલાવી રહી છે. રસ્તા પર આંદોલન કરી રહી છે. કોંગ્રેસે મુસ્લિમોનું પૃષ્ટિકરણ કરી તેમને બહેકાવવાનું કામ કરી રહી છે. પાકિસ્તાનમાં આઝાદી વખતે ૨૨ ટકા હિન્દુ હતા જે હવે ઘટીને માત્ર ત્રણ ટકા રહ્યા છે. બાંગ્લાદેશમાં પણ આવું જ બન્યું છે. જ્યારે ભારતમાં નવ ટકા મુસ્લિમો હતા જેની સામે ૧૪ ટકા મુસ્લિમો થયા છે. ગુજરાતના જુદા જુદા ભાગોમાં કાર્યક્રમો યોજાયા હતા. ગાંધી આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમમાં વિજય રૂપાણી ઉપરાંત ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. દિવસ દરમિયાન અન્ય મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ પણ જુદા જુદા કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. સુરતમાં વન્યમંત્રી ગણપત વસાવા અને અન્ય લોકો જોડાયા હતા. દેશભરમાં આને લઇને જોરદાર કાર્યક્રમોનું આયોજન આજે કરાયું હતું.

(9:50 pm IST)