Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

થર્ટી ફર્સ્ટ પૂર્વે રાજયભરમાં સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરાઈ

રાજયના ડીજીપી શિવાનંદ ઝાનો મહત્વનો આદેશ : રાજયમાં દારૂની હેરાફેરી ન થાય અને અન્ય રાજયોમાંથી દારૂ ગુજરાતની હદમાં ના પ્રવેશે તે માટે આકરી કાર્યવાહી

અમદાવાદ, તા.૨૪ : આગામી થર્ટી ફર્સ્ટ અને નાતાલની ઉજવણીને લઇ રાજયમાં દારૂની ેરેલમછેલ અને મહેફિલ માઝા ના મૂકે તે હેતુથી રાજયના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા આજે એક બહુ મહત્વના આદેશમાં રાજય પોલીસ તંત્રને તા.૨૪થી તા.૨ જાન્યુઆરી દરમ્યાન રાજયમાં સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવવાનું ફરમાન કર્યું છે. થર્ટી ફર્સ્ટને લઇ રાજયમાં દારૂની હેરાફેરી ના થાય અને અન્ય રાજયોમાંથી દારૂ ગુજરાતની હદમાં ના પ્રવેશે તે માટે આકરી કાર્યવાહી કરવા પણ ડીજીપીએ કડક તાકીદ કરી છે. રાજયના ડીજીપીના આ આદેશને પગલે પોલીસ તંત્ર દોડતુ થઇ ગયુ છે. ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તેનો વાસ્તવિક અમલ કાગળ પર જ રહી જાય છે. છાશવારે વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ આ મુદ્દો ઉઠાવીને ભાજપ સરકારને ભીંસમાં લેવાનો પ્રયાસ થતો હોય છે.

વળી, થર્ટી ફર્સ્ટ નજીક છે અને આવતીકાલથી નાતાલની ઉજવણી શરૂ થવાની છે ત્યારે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં દારૂની હેરાફેરી, રેલમછેલ અને દારૂની મહેફિલ માઝા ના મૂકે તે માટે રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ આ દિવસો દરમ્યાન દારૂની બદી પર લગામ કસવા વધુ એક પ્રયાસ કર્યો છે. જેમાં ડીજીપીએ એક આદેશ જારી ફરમાન કર્યું છે કે, રાજયમાં દારૂની હેરાફેરી ના થાય અને અન્ય રાજયોમાંથી દારૂ ગુજરાતની હદમાં ના પ્રવેશે તે માટે આકરી કાર્યવાહી કરવા અને રાજયમાં દારૂની બદીને નાથવા તા.૨૪થી તા.૨ જાન્યુઆરી દરમ્યાન સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવવા ફરમાન કર્યું છે. ડીજીપીના આ આદેશને પગલે રાજય પોલીસ તંત્ર દોડતુ થઇ ગયું છે. ખાસ કરીને એડિશનલ ડીજી, ડીસીપી સહિતના રેન્કના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માથે મોટી જવાબદારી વધી ગઇ છે.

(8:25 pm IST)