Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

નડિયાદની વિધિ જાદવે વણઝારિયાના શહીદ વીર હરિશસિંહ પરમારના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવી

શહીદના પરિવારને રૂ.૫૬ હજારની કરી આર્થિક મદદ : વિધિએ જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લામાં આતંકવાદીઓ સામે લડતા શહિદ થયેલા દેશના પાંચ સૈનિકોના પરિવારને પણ રૂ. પાંચ- પાંચ હજારની મદદ પહોચાડી

નડિયાદની વિધિ જાદવના નસીબમાં દેશની સેવા કરતા અને દેશના સીમાડા સાચવતા શૂરવીર સૈનિકો અને તેમના પરિવારો માટે સ્નેહ ભાવ અને સેવા લખી છે.
સ્વભાવની સાવ સીધી અને માયાળુ આ વિધિએ અત્યાર સુધીમાં સેંકડો સૈનિક પરિવારો ની મુલાકાત લીધી છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે.એનો પોતાનો પરિવાર કંઈ માલેતુજાર નથી.
દેશના શહિદ સૈનિક પરિવારોને આર્થિક મદદ કરતી વિધિ જાદવે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારીયા ગામના ૨૫ વર્ષીય વીર શહિદ જવાન હરીશસિહ પરમારના પરિવારની મુલાકાત લઈ તેઓને સાંત્વના પાઠવી રૂા. ૧૧૦૦૦/- નો ચેક અર્પણ કર્યો હતો.
વિધિએ પાંચ દિવસ પહેલા ખેડા જિલ્લાના નાગરિકોને યથાશક્તિ મુજબ આ શહિદ પરિવારને આર્થિક મદદ કરવા વિનંતી કરી હતી જેમાં કુલ રૂ. ૪૫૦૦૦/- ની રકમ જુદી જુદી વ્યક્તિઓ તરફથી મળી હતી તે રકમ પણ વિધિએ યાદી સાથે આ પરિવારને આપી હતી. આમ, કુલ રૂ.૫૬,૦૦૦/- ની આર્થિક મદદ આ શહિદ પરિવારને કરવામાં આવી છે.
વિધિએ જમ્મુ કાશ્મીરના પુંચ જિલ્લામાં તા. ૧૧.૧૦.૨૦૨૧ ના રોજ આતંકવાદીઓ સામે લડતા શહિદ થયેલા દેશના કુલ ૫ સૈનિકોના પરિવારને પણ રૂ. પાંચ, પાંચ હજાર તા.૨૧.૧૦. ૨૦૨૧ ના રોજ મોકલી આપી શહિદ સૈનિક પરિવારો પ્રત્યે પોતાની સંવેદના પ્રગટ કરી હતી.

(5:20 pm IST)