Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

હરિકૃષ્ણ ડાયમંડના 600 કર્મચારીઓને બોનસમાં મળશે કાર :વડાપ્રધાન મોદી વિડિઓ કોન્ફ્રન્સની કરશે સંબોધન

દિવ્યાંગ દીકરી કાજલને મળશે વડા પ્રધાનના હસ્તે મળશે કારની ચાવી

 

સુરત :પાલ હજીરા રોડ પર ઇચ્છાપોર જેમ એન્ડ જ્વેલરી પાર્ક  ખાતે આવેલા હરિકૃષ્ણ ડાયમંડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના તહેવાર નિમિત્તે પોતાના રત્ન કલાકારોને આ વર્ષે પણ બોનસમાં ફોરવ્હીલ ગાડીઓ આપશે

  હરિકૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન સવજીભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું કે, અમારી ડાયમંડ કંપની દ્વારા છેલ્લા છ વર્ષથી રત્ન કલાકારોને પ્રોત્સાહન આપવા માટે હરિકૃષ્ણ ગ્રુપ સ્કીલ ઇન્ડિયા ઇન્સેન્ટીવ સેરેમનીનું આયોજન તા.25ના રોજ સવારે નવ વાગ્યે કર્યું છે આ વર્ષે હરિકૃષ્ણ એક્સપોર્ટના કુલ 600 કારીગરોને મારૂતી અલ્ટો અને સેલારીયો કાર ગીફટમાં આપવામાં આવશે.

 સ્કીલ ઇન્ડિયા ઇન્સેન્ટીવમાં હરિકૃષ્ણ ડાયમંડના કુલ 1600 જેટલા રત્નકલાકારો સિલેક્ટ થયા છે. આ અંગે વધુ  જણાવ્યું હતું કે, અમારી કંપનીમાં દર મહિને જે કારીગરો જેટલુ કામ કરે છે તેના દસ ટકા પ્રમાણે અથવા તો વધુમાં વધુ રૂપિયા છ હજાર પ્રમાણે દર મહિનાનું બોનસ આપવામાં આવે છે. વર્ષ 2014થી શરૂ થયેલી આ યોજનામાં અત્યાર સુધીમાં ચાર હજારથી વધારે રત્ન કલાકારોએ લાભ લીધો છે અને કાલે જે કાર્યક્રમ યોજાશે તેમાં કથાકાર મોરારિબાપુ, ભાગવત કથાકાર રમેશભાઇ ઓઝા, શ્રી શ્રી રવિશંકર દ્વારા પાઠવવામાં આવેલા વીડીયો સંદેશાઓ અને આશીર્વચન પણ ઉપસ્થિત શ્રોતાઓને સંભળાવવામાં આવશે.

હરિકૃષ્ણ એક્સપોર્ટમાં સાઇનર અને પ્લાનિંગ વિભાગમાં કાજલ નામની એક દિવ્યાંગ દીકરી પણ કામ કરે છે. દર મહિને આ દીકરી 80થી 90 હજાર રૂપિયાનું કામ કરે છે અને તે પણ આ યોજનામાં ક્વોલીફાઇડ થઇ છે. કાજલને હરિકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા હાલમાં દિલ્હી મોકલવામાં આવી છે અને તેને આવતી કાલે સવારે સાડા દસ વાગ્યાના સુમારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના હસ્તે કારની ચાવી આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. કાજલની સાથે હીરલબેન નામની એક દીકરી પણ હાલમાં દિલ્હી ગઇ છે. જ્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદી કાજલને કાર આપશે ત્યારે તેનું લાઇવ પ્રસારણ હરિકૃષ્ણ એક્સપોર્ટના આ કાર્યક્રમમાં દિલ્હી ખાતેથી કરવામાં આવશે અને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો સમગ્ર કાર્યક્રમને નીહાળી શકશે. દિવ્યાંગ દીકરીને કારની ચાવી આપવા સાથે વડા પ્રધાન નરેન્દ્રભાઈ  મોદી પોતાનુ વક્તવ્ય પણ આપશે અને તેનું પણ પ્રસારણ કરવામાં આવશે.

(12:49 am IST)