Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વસ્ત્રાલ : ટ્રાફિકના કર્મચારી સાથે યુવકે કરેલી મારામારી

ટ્રાફિક પોલીસ અને નાગરિકો વચ્ચે ઘર્ષણના બનાવ : ટોઇંગ કરવામાં આવેલા વાહનને અમે છોડાવવા આવ્યા છે ત્યારે મેમો કેમ આપો છો તેમ કહી પોલીસ સાથે ચર્ચા

અમદાવાદ,તા. ૨૪ : શહેરમાં ટ્રાફિક ડ્રાઇવ તેમજ ગેરકાયદે પાર્કિંગ કરનાર વાહનચાલકો વિરુદ્ધમાં પોલીસે ઝુંબેશ ચાલુ કરી છે ત્યારથી દરેક એકાદ-બે દિવસે પોલીસ કર્મચારીઓ અને વાહનચાલકો વચ્ચે માથાકૂટ થઇ હોવાની અનેક ઘટનાઓ ઘટી છે. ગઇકાલે ટો કરેલા બાઇકને છોડાવવા માટે આવેલા બાઇકચાલકના મિત્રએ એક પોલીસ કર્મચારી સાથે મારામારી કરતાં મામલો બીચક્યો હતો. ટ્રાફિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ બાઇક ચાલકના મિત્ર વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ટ્રાફિક નિયમન અને ટ્રાફિક રૂલ્સના પાલનની ડ્રાઇવ દરમ્યાન નાગરિકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે ઘર્ષણ અને તકરારના બનાવો અવારનવાર બનતા રહે છે. આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇ વીરેન્દ્રસિંહે રામોલ પોલીસ સ્ટેશનમાં એક વાહનચાલક વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. જેની વિગતો મુજબ, શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ ભૈરવી ટાવર પાસે એક બાઇક જાહેર રોડ પર પાર્ક કરેલું હતું, જેથી એએસઆઇના આદેશથી બાઇક ક્રેનથી ટો કરીને સીટીએમ ચાર રસ્તા પાસે આવેલ ટ્રાફિક પોલીસચોકીમાં લાવ્યા હતા. થોડીક વાર પછી બાઇકના માલિક રવિ ભગવાનભાઇ મંડોરા અને તેનો મિત્ર બાઇક છોડાવવા માટે પોલીસચોકી પર આવ્યા હતા. વીરેન્દ્રસિંહે મેમો આપતાં રવિ સાથે આવેલા યુવકે અમને મેમો કેમ આપો છો તેમ કહીને બોલાચાલી કરી હતી. વીરેન્દ્રસિંહે રવિના મિત્રને ઝઘડો કરવાની ના પાડતાં તે ઉશ્કેરાયો હતો અને તેમનો કોલર પકડીને મારામારી શરૂ કરી હતી. રવિના મિત્રએ કરેલી મારામારી બાદ અન્ય પોલીસ કર્મચારીઓ આવી ગયા હતા અને તેને પકડી લીધો હતો. તેની પૂછપરછમાં તેનું નામ નીતિન ચોટલિયા હોવાનું જાણવા મળ્યું છે. વીરેન્દ્રસિંહે આ મામલે નીતિન ચોટલિયા વિરુદ્ધમાં રામોલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે નીતિનની ધરપકડ કરીને તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી હતી.

(8:29 pm IST)