Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

આણંદના વડોદમાં વર્ક પરમીટના વિઝા અપાવવાના બહાને અમદાવાદના ભેજાબાજે યુવાનને 40 હજારનો ચૂનો લગાવ્યો

આણંદ:તાલુકાના વડોદ ગામે રહેતા એક યુવાનને કેનેડાના વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને અમદાવાદના કબુતરબાજે ૪૦ હજારનો ચુનો ચોપડતાં આ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી હતી. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર એક અખબારમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાના મોલમાં કપલ માટે પાંચ લાખના પગારની નોકરી અપાવવાની જાહેરાત વાંચીને વડોદ ખાતે રહેતા પ્રીતેશકુમાર કાંતિભાઈ પટેલે સંપર્ક કર્યો હતો. જેથી સામેવાળી વ્યક્તિએ પાસપોર્ટ સહિતની વિગતો એસએમએસથી મંગાવી લીઘી હતી અને પ્રીતેશકુમારને ૨૦ હજાર રૂપિયા પ્રોસેસીંગ ફીના તેણે આપેલા ખાતામાં ભરવાનું જણાવ્યું હતુ. બાકીની નક્કી થયેલી રકમ પગારમાંથી કાપવામાં આવશે તેમ જણાવ્યું હતુ. જેથી પ્રિતેશકુમારે આપેલા એકાઉન્ટ નંબરમાં ૨૦ હજાર જમા કરાવી દીધા હતા. 

ત્યારબાદ જો પત્ની સાથે જવું હશે તો બીજા વીસ હજાર રૂપિયા મોકલી આપો તેમ કહેતા જ પ્રીતેશકુમારે ઓનલાઈન પેમેન્ટ ટ્રાન્સફર કર્યું હતુ. ત્યારબાદ ફોનો સ્વીચ ઓફ થઈ જવા પામ્યા હતા. જેથી તપાસ કરતાં ઉક્ત શખ્સ અમદાવાદનો રીઢો કબુતરબાજ વિક્રમ ઉર્ફે રોહિત અજીતકુમાર ટેલર હોવાનું અને હાલમાં ચીટીંગના ગુનામાં પકડાયો હોવાનું ખુલવા પામ્યું હતુ. આમ, કેનેડાના વર્ક પરમીટ વિઝા લેવા જતાં પોતે આબાદ ઠગાયા હોવાનું લાગતાં જ વાસદ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.

(5:12 pm IST)