Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

લાંચીયાઓએ લાંચના ભાવમાં ધરખમ વધારો કર્યોઃ ૭૦૦૦ થી લઇ ૭ લાખ સુધીની લાંચના છટકા એક જ દિવસમાં ગોઠવાતા રસપ્રદ તારણ

એક જેલમાંથી બીજી જેલમાં ન મોકલવા માટે ૭૦૦૦ સબ જેલરે લીધાઃ જમીન માપણીના સરકારી રેકર્ડમાં રહેલી ભુલ સુધારવા માટે મામલતદાર, ડ્રાઇવર મારફત ૭ લાખ લેતા ઝડપાયાઃ મગરમચ્છોને એસીબીની જાળમાં લેવા કેશવકુમારના માર્ગદર્શનમાં અભિયાન પુરજોશમાં ચાલે છે

રાજકોટ, તા., ૨૪:   ૭ લાખ  રૂપિયાની  ડ્રાઇવર મારફત લાંચ લેતા સુરતના મામલતદાર રાજેન્દ્રકુમાર ફતેસિંહ ચૌધરીને સુરતના  એ.સી.બી.પી.આઇ.  સી.કે. પટેલએ  સુરત એસીબી એકમના  મદદનીશ નિયામક પી.એમ. પરમારના સુપરવીઝન હેઠળ ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ ધ્રાંગધ્રા પંથકમાં જેલ ટ્રાન્સફર ન કરવા માટે સબ જેલર વાઘેલા દ્વારા  ૭૦૦૦ની લાંચ લેવાના આરોપસર સબ જેલરને રાજકોટ એસીબીના મદદનીશ નિયામક હિમાંશુ દોશીના માર્ગદર્શનમાં પીઆઇ સી.જે.સુરેજા ટીમે ઝડપી પાડતા એક જ દિવસમાં ૭૦૦૦ અને ૭ લાખની લાંચ લેવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા. બીજી તરફ લાંચીયાઓએ પણ મોંઘવારી ધ્યાને લઇ લાંચના ભાવ વધારી દીધા હોય તેવું એસીબીના વિવિધ છટકાનું તારણ કાઢતા દ્રષ્ટિગોચર થયા વગર રહેતું નથી.

એ.સી.બી સૂત્રોમાંથી સાપડતા નિર્દેશ મુજબ એક જાગૃત ફરીયાદી દ્વારા એસીબીમાં એવી ફરીયાદ થઇ હતી કે  તેમની સુરતના વેસુ માં આવેલી જમીનની માપણી અંગે સરકારી રેકર્ડમાં ભુલ આવતી હતી જેથી ફરીયાદીએ  આ કામે ભુલ સુધારવા અરજી કરેલ હતી. જે કેસ મજુરા મામલતદાર સુરત શહેર ખાતે ચાલતો હતો. ફરીયાદીની તરફેણમાં હુકમ કરવા મામલતદાર રાજેન્દ્રકુમાર ચૌધરીએ ફરીયાદી પાસે ૭ લાખ રૂપીયાની લાંચની માગણી કરી હતી.

ફરીયાદી લાંચની રકમ આપવા ઇચ્છતા ન હોય એ.સી.બી.માં  એવી ફરીયાદ કરી હતી કે મામલતદારએ ૭ લાખની  લાંચ તેના ડ્રાઇવર નરેશ ખટીક મારફત માગી છે એ.સી.બી.એ ફરીયાદીની  હકીકતના આધારે છટકું ગોઠવી રૂ. ૭  લાખની લાંચ મામલતદાર વતી સ્વીકારનાર ડ્રાઇવરને ઝડપી લીધો હતો. એ.સી.બી. દ્વારા મામલતદારે ડ્રાઇવર સાથે મળી લાંચની રકમ  આ રીતે સ્વીકારતા નિયમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ રીતે મોટા મગરમચ્છોને જાળમાં સપડાવવાનું  કેશવકુમારનું રાજયવ્યાપી અભિયાન આગળ વધ્યું છે. (૪.૩)

(1:50 pm IST)