Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

સરકારની યાત્રાને નબળો પ્રતિસાદ મળતા ૨૬મીએ 'વિશેષ' : સ્વરૂપ બતાવવા પ્રયાસઃ ૨૫૦ મોટર સાઈકલ જોડવા આદેશ

વિદ્યાર્થીઓ, શિક્ષકો, સરપંચોને લાવો પણ ઓછામાં ઓછા ૫૦૦ની હાજરી બતાવો : ભાજપની ચિંતા વધતા ગઈકાલે પરિપત્ર બહાર પાડયોઃ સંગઠનના સભ્યોની હાજરી ફરજીયાત

રાજકોટ, તા., ૨૪: ગુજરાત સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનીટી અવસરને નિમિત બનાવી શરૂ કરવામાં આવેલ એકતા યાત્રાને મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય અથવા નબળો પ્રતિસાદ મળી રહયાના વાવડ છે. સરકારી અખબારી યાદીમાં યાત્રાને લોકો ઉમળકાથી વધાવતા હોવાનો દાવો કરવામાં આવી રહયો છે. યાત્રાનું વાતાવરણ બરાબર જામતુ ન હોવાનું જણાતા પ્રદેશ ભાજપ દ્વારા ગઇકાલે પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારના નામથી ખાસ પરીપત્ર બહાર પાડી સંખ્યા ભેગી કરવા માટે સુચના આપવામાં આવેલ છે. શુક્રવારે ર૬ ઓકટોબરે યાત્રાનું વિશેષ સ્વરૂપ બતાવવા જણાવાયું છે. તેના માટે જિલ્લાવાર સિનીયર અગ્રણીઓને જવાબદારી સોંપાયેલ છે.

ગામડાઓમાં ખેતીની મોસમ, વારંવારના પાર્ટીના કાર્યક્રમોથી કાર્યકરોનો કંટાળો, મોંઘવારી અને ખેતીને લગતા પ્રશ્નોથી લોકોની નિરાશા, એકતા યાત્રાના નામે સરકારી ખર્ચે ભાજપનો પ્રચાર વગેરે કારણસર યાત્રાને અપેક્ષીત પ્રતિસાદ ન મળતો હોવાનું તારણ નીકળે છે તેથી પાર્ટીએ યાત્રાનો પ્રભાવ બતાવવા ખાસ પરીપત્ર બહાર પાડવો પડયો છે.

જિલ્લાવાર ભાજપના પરીપત્રમાં જણાવાયું છે કે સ્ટેચ્યુ ઓફ યુનીટીના સંદર્ભમાં એકતા અને અખંડતાનો સંદેશો ગામે-ગામ પહોંચાડવાના હેતુથી તા.ર૦ થી ર૯ ઓકટોબર દરમ્યાન પ્રથમ તબક્કાની એકતા યાત્રા પ્રારંભ કરવામાં આવી છે. આ દિવસો દરમ્યાન તા.ર૬ ઓકટોબરના દિવસે વિશેષ સ્વરૂપે આ એકતા યાત્રા નિકળે તેની તૈયારી કરવા માટે નીચે મુજબના મુદાઓને અનુસરી આપના જીલ્લા-મહાનગરમાં નીચે સુધીના વિસ્તારોના કાર્યકર્તાઓને સુચના આપવી અને વ્યવસ્થા કરવા કરશો.

આ યાત્રામાં દરેક મોરચાના કાર્યકર્તાઓ મળીને રપ૦ મોટર સાયકલ રથની આગળ રહેવાનું છે. ર૬ તારીખ પહેલા જવાબદાર પદાધીકારીઓ સાથે મીટીંગ થઇ જાય અને તમામ ચુંટાયેલા સંગઠનના સભ્યો ફરજીયાત હાજર રહે તેવો પ્રયાસ કરવાનો છે. રથ સાથે ઓછામાં ઓછી રપ થી ૩૦ કાર રહેવી જોઇએ. જે ગામમાં રથ જાય ત્યાં ઓછામાં ઓછા પ૦૦ લોકો સ્વાગત માટે તૈયાર રહે તેવી વ્યવસ્થા કરવી. જીલ્લાના એક પદાધિકારી ઉપપ્રમુખ અથવા મહામંત્રી રૂટમાં આવતા ગામમાં અગાઉથી આ વ્યવસ્થા કરે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો સરપંચ આગેવાનો હાજર રહે. ઢોલ નગારા બેન્ડ વાજા દ્વારા સ્વાગત થાય. બહેનો દ્વારા કળશથી સ્વાગત થાય. ચુંટાયેલા સંસદસભ્ય અને ધારાસભ્ય પુર્વ ધારાસભ્ય બોર્ડ નિગમના ચેરમેન વાઇસ ચેરમેન તેમજ સ્થાનીક સ્વરાજ સંસ્થાઓમા ચુંટાયેલા  તમામ લોકપ્રતિનિધિઓ હાજર રાખવા.

(12:37 pm IST)