Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ચલો ભાઈ, વેક્સીન.... વેક્સીન.... કોરોના વેક્સીન: બૂમો પાડીને જાગૃતિ વધારનાર યુવકનું થયું સન્માન

તેના આ અનોખા અંદાજનો વીડિયો ખુબ વાયરલ : જગદીશ શાહના આ પ્રકારની સ્ટાઈલ પાછળ છે એક દર્દનાક કહાની : કહ્યું - મારી જેમ કોઈ બીજુ પોતાના સ્વજનને ન ગુમાવે.

અમદાવાદ :એક અમદાવાદી યુવકે વેક્સીનેશન માટે કરેલી પહેલ રંગ લાવી છે. લોકોને રસ્તા પર વેક્સીન લેવા માટે બૂમો પાડનાર અમદાવાદી યુવકનું અમદાવાદ કોર્પોરેશન દ્વારા સન્માન કરાયુ છે.

17 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં AMC નો એક કર્ચમારી વેક્સીન લેવા લોકોને અપીલ કરી રહ્યો હતો. આ કર્મચારીની અપીલ એટલી સચોટ હતી કે, તેના આ અનોખા અંદાજનો વીડિયો જોતજોતામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયો બાદ લોકોએ આ કર્મચારીના વખાણ કર્યા હતા. વેક્સીન લેવા રસ્તા વચ્ચે બૂમો પાડનાર જગદીશ શાહ પાલડી વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારી છે. જેમણે 18 સપ્ટેમ્બરના રોજ વેક્સીન લેવા માટે રસ્તા પર બૂમો પાડી હતી. ત્યારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર દ્વારા જગદીશ શાહનું આ પ્રશંસનીય કામગીરી માટે સન્માન કરાયુ છે.

  'ચલો ભાઈ, વેક્સીન.... વેક્સીન.... કોરોના વેક્સીન... પહેલો ડોઝ... બીજો ડોઝ... જીવ બચવાની વેક્સીન...' આ શબ્દો શાહે જગદીશ શાહે અમદાવાદના રસ્તાઓ પર બૂમો પાડી હતી. જેની નોંધ અનેક નાગિરકોએ લીધી હતી. લોકોએ જગદીશ શાહના આ અંદાજના વખાણ કર્યા હતા.

વેક્સીન અવેરનેસ લાવીને સોશિયલ મીડિયા પર ફેમ મેળવનાર જગદીશ શાહના આ પ્રકારની સ્ટાઈલ પાછળ એક દર્દનાક કહાની છે. કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન તેમણે પોતાના પિતા ગુમાવ્યા હતા. મારા માટે એ દિવસ દુખદ હતો. તેથી મેં વિચાર્યું કે, મારી જેમ કોઈ બીજુ પોતાના સ્વજનને ન ગુમાવે. તેથી મારી ફરજ દરમિયાન મેં લોકોને આ રીતે જાગૃત કરવાનો પ્રયાસ કર્યો. મારી મહેનત રંગ લાવી તેની મને ખુશી છે. મારો વીડિયો જોયા બાદ અનેક લોકો વેક્સીન લેવાયા પ્રેરાયા હતા, તે જાણીને મને ખૂબ આનંદ થયો.

(12:11 pm IST)