Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

ફેમિલી કોર્ટોએ પરંપરાગત છૂટાછેડાને માન્‍યતા ન આપવી જોઇએ : હાઇકોર્ટ

પરંપરાગત છૂટાછેડાને માન્‍યતા આપવાનો ઇન્‍કાર : સમાજ-પરિવારના કેટલાંક લોકો દ્વારા નક્કી થતા છૂટાછેડાં સમાજને પાછળ ધકેલી રહ્યા છે, બંધારણીય હકોનું હનન

અમદાવાદ,તા.૨૪:સમાજ અને પરિવારના કેટલાંક સભ્‍યોની હાજરીમાં નક્કી થતાં છૂટાછેડાં એ સમાજનું દૂષણ છે અને ફેમિલી કોર્ટોએ પણ આવાં છૂટાછેડાંને માન્‍યતા આપવી ન જોઇએ. આ પ્રકારના છૂટાછેડાં બંધારણીય પરિપ્રેક્ષ્ય અને મૂળભૂત હકોનું પણ હનન કરે છે. અમરેલી જિલ્લાામાંથી એક પત્‍નીએ તેના પરંપરાગત છૂટાછેડા માન્‍ય રાખવા અને ડિવોર્સ ડિક્રી આપવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી. ફેમિલી કોર્ટે આ છૂટાછેડાને માન્‍યતા ન આપી અરજી ફગાવી હતી અને હાઇકોર્ટની ખંડપીઠે પણ આ પરંપારગત છૂટાછેડાને માન્‍યતા આપવાનો ઇનકાર કર્યો છે અને કેસમાં હસ્‍તક્ષેપ ન કરવાનું વલણ અપનાવ્‍યું છે. પિટિશન રદ કરતા કોર્ટે ઉકરોક્‍ત અવલોકન કર્યા હા.
અરજદાર પત્‍ની તરફથી હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે ૨૦૧૦માં તેમના લગ્ન જ્ઞાાતિના રીત-રિવાજ મુજબ થયા હતા. જો કે લગ્નજીવન દરમિયાન વિખવાદ ઉભા થતાં પતિ-પત્‍નીએ છૂટાં પડવાનું નક્કી કર્યુ હતું. જ્ઞાાતિના પંચની હાજરીમાં સોગંદનામા દ્વારા બન્ને મરજીથી છૂટાં પડયા હતા. જેન થોડાં સમય બાદ પત્‍ની વિદેશ સ્‍થાયી થવા માગતી હતી અને વિદેશી ઇમિગ્રેશન વિભાગ કે દૂતાવાસ આવા પરંપરાગત છૂટાછેડાંના દસ્‍તાવેજોને માન્‍યતા આપતો નથી. તેથી પત્‍નીએ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી કે પરંપરાગત છૂટાછેડાંને માન્‍ય ગણી તેને ડિક્રી આપવામાં આવે. જો કે પત્‍નીના સમાજમાં આવી કોઇ પરંપરા ન હોવાનું ધ્‍યાને લઇ ફેમિલી કોર્ટે અરજી ફગાવી હતી. જેથી પત્‍નીએ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
હાઇકોર્ટમાં જસ્‍ટિસ જે.બી. પારડીવાલા અને જસ્‍ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠ સમક્ષ અપીલની સુનાવણી થતા તેમણે નોંધ્‍યું હતું કે અરજદારના પતિ તે તેમના કોઇ વકીલ ફેમિલી કોર્ટ કે હાઇકોર્ટ સમક્ષ હાજર રહ્યા નથી. આ ઉપરાંત અરજદારની જ્ઞાાતિમાં આવી કોઇ પરંપરા વર્ષોથી પ્રચલિત હોય તેવું પણ તેઓ સાબિત કરી શક્‍યા નથી. એક તરફ આપણેસ્ત્રી સશ્‍કિતકરણ અને સમાન હકોની વાત કરી રહ્યા છીએ અને બીજી તરફ ફેમિલી કોર્ટ આવાં પરંપરાગત છૂટાછેડાંને માન્‍યતા પણ આપી રહી છે. બંધારણીય પરિપ્રેક્ષ્ય અને આધુનિક વિકાસ ન જાણતા લોકો આ પ્રકારના છૂટાછેડાંને માન્‍યતા આપતા હોય છે. તેથી કોર્ટે આ કેસમાં હસ્‍તક્ષેપ કરવા માગતી નથી. પતિ-પત્‍ની ઇચ્‍છે તો પારસ્‍પારિક સહમતીથી ફેમિલી કોર્ટ સમક્ષ છૂટાછેડાં માટે અરજી કરી શકે છે.

 

(10:25 am IST)