Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ત્રાસવાદી યુસુફ અબ્દુલ શેખને છ દિવસના રિમાન્ડ પર રહેશે

શેખે જિદ્દાહથી ૩ લાખનું ટેરર ફંડ મોકલ્યું હતું : ટેરર ફંડથી શસ્ત્રો-દારૂ ગોળો ખરીદાયા હતા : આતંકવાદી યુસુફ વોન્ટેડ હોવા છતાં પાસપોર્ટ ૨૦૧૬માં રિન્યુ થયો

અમદાવાદ, તા.૨૪ : વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા માટે ઘડેલા જેહાદી ષડયંત્રના કેસમાં પૈસાની લેવડદેવડમાં સંડોવાયેલા મહંમદ યુસુફ અબ્દુલ વહાબ શેખની ગુજરાત એટીએસ-ક્રાઈમ બ્રાંચે ગઇકાલે ધરપકડ કર્યા બાદ તપાસનીશ એજન્સી દ્વારા આજે આંતકવાદી વહાબને સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરાયો હતો અને તેના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરાઇ હતી. જેમાં સ્પેશ્યલ કોર્ટના ન્યાયાધીશ એમ.કે.દવેએ આંતકવાદી યુસુફ અબ્દુલ વહાબ શેખના તા.૩૦મી સપ્ટેમ્બર સુધીના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તપાસનીશ એજન્સીએ રિમાન્ડના કારણોમાં ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, આંતકવાદી વહાબે સાઉદી અરેબિયાના જિદ્દાહ ખાતેથી અગાઉ પકડાયેલ આરોપી અબ્દુલ લતીફ મારફતે આ કેસના અન્ય નાસતા ફરતા આરોપી મુફતી સુફીયાનને જેહાદ માટે નાણાં મોકલાવ્યા હતા અને આમ કરી સમગ્ર ગુનામાં ગંભીર ભૂમિકા ભજવી છે. તપાસનીશ એજન્સી તરફથી આંતકવાદી વહાબના ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરતાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપીએ જેહાદનું ષડયંત્ર પાર પાડવા આ પ્રકારે અન્ય કેટલા લોકોને અને કયારે કયારે નાણાં મોકલ્યા હતા, તેની તપાસ કરવાની છે. આ ગુનામાં મોસ્ટ વોન્ટેડ મુફતી સુફીયાન પતંગીયાને વાયા મીડિયા પૈસા મોકલી આપ્યા હોઇ અને તેના સંપર્કમાં રહેલ હોઇ તે વિશે પણ માહિતી મેળવવાની છે. આ ગુનામાં કુલ ૩૫ આરોપીઓ નાસતા ફરતા છે અને તેથી આ આરોપીઓ વિશે જાણકારી અને વિગતો આંતકવાદી વહાબ પાસેથી કઢાવવાની છે. આરોપી  સાઉદી અરેબિયાના જિદ્દાહ વિસ્તારમાં પંદરથી વીસ વર્ષો સુધી રહ્યો હોઇ જિદ્દાહ અને રિયાધ ખાતેના આ ગુનામાં અત્યારસુધી નહી પકડાયેલા આરોપીઓ કયાં રહે છે અને શું કરે છે તેની પણ વિગતો જાણવાની છે. આરોપીએ જેહાદી ષડયંત્ર માટે ગંભીર પ્રકારની ભૂમિકા ભજવી રાષ્ટ્ર વિરૂધ્ધનું કૃત્ય આચર્યું છે અને તેણે આવા કેટલા ગુનાઓમાં ભાગ લીધો છે અને તે બીજી કઇ કઇ આંતકવાદી સંસ્થા કે સંગઠનો સાથે સંકળાયેલો છે તે સહિતની માહિતી આરોપી પાસેથી જાણવાની છે. આ સંજોગોમાં આરોપીના પૂરતા રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. ઉલ્લેખનીય છે કે, તપાસ દરમ્યાન આતંકી મહમ્મદ યુસુફ અબ્દુલ વહાબ શેખે વર્ષ ૨૦૦૩માં જેદાહથી ટેરર ફંડ પેટે રૂ.ત્રણ લાખ અમદાવાદ મોકલ્યા હોવાનો ખુલાસો થયો છે. આ રૂપિયામાંથી હથિયારો અને દારૂ ગોળો ખરીદવામાં આવ્યા હતા. માત્ર એટલું જ નહીં, અબ્દુલ વહાબ વોન્ટેડ આરોપી હોવાછતાં તેનો ભારતીય પાસપોર્ટ ૨૦૧૬માં રિન્યુ થયો હતો. ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા માટે એપ્રિલ ૨૦૦૨થી તા.૩ માર્ચ, ૨૦૦૩ દરમિયાન આરોપીઓ મુફ્તી સૂફિયાન પતંગિયા તથા સોહીલખાન, રસુલખાન ઉર્ફે રસુલખાન પાર્ટી તથા અન્યો સાથે મળીને જુદી જુદી જગ્યાઓ મીટીંગો કરી દાઉદ ઈબ્રાહિમ તથા આઈએસઆઈના નેટવર્કનો ઉપયોગ કરી ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાનું કાવતરું ઘડાયું હતું. આ મામલે ૨૦૦૩માં ક્રાઈમ બ્રાંચે પાંચની હથિયારો સાથે ધરપકડ કરી હતી. આ અંગે જેહાદી ષડયંત્ર બદલ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં કુલ ૬૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમિયાન મહંમદ યુસુફ અબ્દુલ વહાબ શેખ (ઉ.વ.૫૯ રહે. દિને મોહંમદી સોસાયટી, જુહાપુરા અમદાવાદ) ૧૯૯૦માં જિદ્દાહ નાસી ગયો હતો. તેણે અગાઉ પકડાયેલા અબ્દુલ લતીફ પટેલ સાથે ફોનથી વાત કરી જેહાદના કામે ત્રણ વખત પૈસા આંગડિયા પેઢી મારફતે મુફ્તી સૂફિયાનને મોકલી આપ્યા હતા અને તેને ભાગવામાં મદદ કરી હતી.

(10:00 pm IST)