Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

અક્ષીઓ કોઇનના નામે વધુ એક ક્રિપ્ટો કરન્સીનું કૌભાંડ

અક્ષીઓ કોઈનના નામે ૭.૯૮ કરોડનું ફ્રોડ : ચંદ્રેશ ઉર્ફે જિમ્મીની ધરપકડ : ૫૦૦થી વધુ રોકાણકારના રૂપિયા ડૂબ્યા હોવાની ચર્ચા : સીઆઈડી ક્રાઈમની તપાસ

અમદાવાદ, તા.૨૪ :  બિટકોઇન સહિત ક્રિપ્ટો કરન્સીનું હબ બની ગયેલા સુરતમાં વધુ એક ક્રિપ્ટો કરન્સી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં અક્ષીઓ કોઈનના નામે રૂ.૭.૯૮ કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાની સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.

આ સમગ્ર કૌભાંડમાં પોલીસે આરોપી ચંદ્રેશ ઉર્ફે જિમ્મીની ધરપક કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરત સહિત સમગ્ર રાજયમાં ભારે ખળભળાટ મચાવનારા બિટકોઈન કૌભાંડ બહાર આવ્યા બાદ સમયાંતરે અલગ અલગ કોઈ કૌભાંડ સુરતમાંથી બહાર આવી રહ્યા છે. જેમાં અક્ષીઓ કોઈન કૌભાંડ સુરતમાં ૧૧મું છે. પહેલાં બિટકોઇન, બિટકનેક્ટ, ડિકાડો , બીએસએસ, રીગલ, ટોરસ, એનસીઆર, ગારનેટ, અક્ષીઓ સહિત ૧૧ કોઈન કૌભાંડ અંગે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. અક્ષીઓ કોઈનના નામે રૂ.૭.૯૮ કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા આરોપી ચંદ્રેશ ઉર્ફે જિમ્મી પ્રવીણ કોટડીયાની સાઈઆડીક્રાઇમે કરી ધરપકડ કરી છે. અક્ષીઓ કોઈનમાં ૫૦૦થી વધુ રોકાણકારોએ રોકાણ કર્યું હોઇ તેઓના નાણાં ડૂબ્યા હોવાની ફરિયાદને પગલે સુરતમાં ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ આરોપી ચંદ્રેશ ઉર્ફે જિમ્મીની વધુ પૂછપરછ હાથ ધરી તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે.

(9:59 pm IST)