Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ઇલેક્ટ્રોથર્મ કાંડમાં CID ક્રાઇમને તપાસનો આદેશ

કૌભાંડમાં એફઆઇઆર દાખલ કરવા આદેશ : કંપનીના એમડી શૈલેષ ભંડારી, નાગેશ ભંડારી સહિતના આરોપી સામે એફઆઇઆર નોંધવાના હુકમથી ચકચાર

અમદાવાદ,તા. ૨૪ :ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડના કરોડો રૂપિયાના કૌભાંડમાં અત્રેની ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં દાખલ થયેલી ત્રણ અલગ-અલગ ફરિયાદોના ચકચારભર્યા કેસમાં ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ એ.વાય.દવેએ સીઆઇડી ક્રાઇમને એફઆઇઆર નોંધવા બહુ જ મહત્વનો આદેશ જારી કર્યો છે. વધુમાં, કોર્ટે આ સમગ્ર કેસની તપાસ ક્રિમીનલ પ્રોસીજર કોડની તપાસ કલમ-૫૬(૩) મુજબ, સીઆઇડી ક્રાઇમના પીઆઇ કક્ષાથી ઉચ્ચ કક્ષાના હોય તેવા ઉચ્ચ અધિકારી દ્વારા જ કરાવવા પણ તપાસનીશ એજન્સીને સ્પષ્ટ તાકીદ કરી છે. ઉપરાંત, આ કેસની તપાસ પૂર્ણ કરી ૯૦ દિવસમાં સમગ્ર રિપોર્ટ અદાલત સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો છે. બીજીબાજુ, ઇલેકટ્રોથર્મ ઇન્ડિય લિ.ના કરોડો રૂપિયાના કૌભાંડમાં હવે કંપનીના એમડી શૈલેષ ભંડારી, નાગેશ ભંડારી સહિતના આરોપીઓ સામે એફઆઇઆર નોંધવાના ચીફ મેટ્રો કોર્ટના હુકમને પગલે જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે.

                   ઇલેકટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના ફાઉન્ડર અને ચેરમેન મુકેશ ભંડારી તરફથી  કંપનીના એમડી શૈલેષ ભંવરલાલ ભંડારી અને વેસ્ટર્ન ઇન્ડિયા સ્પેશ્યાલિટી હોસ્પિટલ લિ.ના ડાયરેકટર નાગેશ ભંવરલાલ ભંડારી સહિતના અન્ય આરોપીઓ સામે એક ફરિયાદ કરાઇ હતી., જયારે ઇલેક્ટ્રોથર્મના ડાયરેકટર સિધ્ધાર્થ ભંડારી દ્વારા પણ કંપનીના એમડી શૈલેષ ભંડારી, સીંગાપોરની કેસલશાઇન પીટીઇ લિ.ના ડાયરેકટર અશોક રામચંદલાલ ભંડારી, કલ્યાણ સુંદરમ મારન, એપલ કોમોડિટીઝ લિ.ના ડાયરેકટર અશોક નરેન્દ્ર ગર્ગ, અંકિત ગર્ગ, નિશ્ચિલ જૈન સહિતના આરોપીઓ વિરૂધ્ધ બે અલગ-અલગ ફરિયાદ દાખલ કરાઇ હતી. આમ, કુલ ત્રણ અલગ-અલગ ફરિયાદમાં ફરિયાદપક્ષ તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ઇલેકટ્રોથર્મના લિ.ના ફાઉન્ડર મુકેશભાઇ ભંડારીની બોગસ સહીઓ અને દસ્તાવેજો મારફતે કંપનીના એમડી શૈલેષ ભંડારી તથા નાગેશ ભંડારીએ તાન્ઝાનીયામાં સ્ટીલનો પ્લાન્ટ સ્થાપવા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાંથી રૂ.૪૮૦ કરોડની લોન ફેસિલિટી મેળવી લીધી હતી. કંપનીના ચેરમેન મુકેશભાઇ વિદેશમાં હોવાછતાં સંબંધિત દસ્તાવેજો અને ગેરેંટી ડીડમાં તેમની નોટરી રૂબરૂ ખોટી સહીઓ કરી દેવાઇ હતી. સેન્ટ્રલ  બેંકની મંજૂર થયેલી રૂ.૪૮૦ કરોડની લોનમાંથી આરોપીઓએ અન્ય બેંકોના રૂ.૨૮૦ કરોડના દેવા બારોબાર ભરી દીધા અને રૂ.૭૩.૫૦ કરોડ હોંગકોંગ બેઝ્ડ એપલ કોમોડિટીઝ લિ.માં અને બીજા કુલ રૂ.૨૫ કરોડ સીંગાપોરની કેસલશાઇન પીટીઇ લિ.માં લેટર ઓફ ક્રેડિટ મારફતે ટ્રાન્સફર કરી કંપનીના નાણાંકીય ભંડોળની ઉચાપત કરાઇ હતી. બીજીબાજુ, લોન ભરપાઇ નહી કરાતાં અને શરતોનો ભંગ થતાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા શૈલેષ ભંડારી, નાગેશ ભંડારી સહિતના આરોપીઓ સામે સીબીઆઇમાં ફરિયાદ નોંધાવી હતી. સીબીઆઇએ આ કેસમાં આરોપીઓ સામે ચાર્જશીટ પણ રજૂ કર્યું હતું.સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ કોર્ટનું ખાસ ધ્યાન દોર્યું હતું કે, ઉપરોકત આરોપીઓએ એપલ કોમોડિટીઝ પાસેથી કોલસો ખરીદવા અને કેસલશાઇન પાસેથી હોમ સ્ટ્રીપ મીલ ખરીદવા ફંડ ટ્રાન્સફર કર્યું હતુ પરંતુ વાસ્તવમાં કોલસો કે હોમ સ્ટ્રીપ મીલ પ્રોડકટ ઇલક્ટ્રોથર્મમાં આવ્યા જ નથી.

                   એટલું જ નહી, આરોપીઓએ એવુ ધુપ્પલ ચલાવ્યું હતું કે, આ કોલસો બારોબાર વીકટ્રી રિચ ટ્રેડીંગ પ્રા લિ.ને વેચી માર્યો છે. એટલું જ નહી, આરોપી એમડી શૈલેષ ભંડારીએ કોઇપણ કાયદાકીય પ્રોસીજર અનુસર્યા વિના રૂ.૩૪ કરોડ વર્ષ ૨૦૧૫-૧૬ વિકટ્રી રીચ ટ્રેડીંગ લિ.ની તરફેણમાં રાઇટ ઓફ કર્યા હતા. એટલું જ નહી, ૨૦૦૭માં કેસલશાઇન પીટીઇ લિ.માં સ્ક્રેપ ખરીદવા રૂ.૧૨.૩૧ કરોડ એસબીઆઇમાંથી લેટર ઓફ ક્રેડિટ મારફતે ટ્રાન્સફર કરાયા હતા. આમ, શૈેલેષ ભંડારી અને તેના મળતીયાઓ ઇલેક્ટ્રોથર્મના કરોડો રૂપિયાના ભંડોળનો દૂરપયોગ અને નાણાંકીય ઉચાપત માટે બોગસ ફર્મ ઉભી કરી સમગ્ર કૌભાંડ આચર્યું છે. એટલું જ નહી, કંપનીઝ એકટની જોગવાઇઓ તેમ જ સંબંધિત કાયદાકીય જોગવાઓ અનુસર્યા વિના જ આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિ.ના કરોડો રૂપિયાના ભંડોળનો દૂરપયોગ કરી ગંભીર નાણાંકીય ઉચાપત, છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યા છે. જેથી આ કેસમાં સંડોવાયેલા તમામ લોકો સામે એફઆઇઆર નોંધી સીઆઇડી ક્રાઇમના સ્પેશ્યલ સેલ મારફતે તપાસ કરાવવામાં આવે.

(8:37 pm IST)