Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

વડોદરામાં છુટાછેડા લેવા માટે પતિએ પત્નીને બદનામ કરવા ષડયંત્ર રચ્યુઃ ડુપ્લીકેટ ચૂંટણ કાર્ડ બનાવતી મહિલા અને એજન્ટ ઝડપાયા

વડોદરા: વડોદરા(Vadodara) શહેરમાં એક પતિએ પોતાની પત્નીને છુટાછેડા(Divorce) કેસમાં બદનામ કરવા માટે એવુ ષડયંત્ર(racket) રચ્યાનો આક્ષેપ કર્યો છે જેને સાંભળી તમારા હોંશ ઉડી જશે. પરંતુ પતિ પોતાના ષડયંત્રમાં સફળ થાય તે પહેલા જ પત્નીએ તેના મિત્રો સાથે મળી પતિ અને પતિના બનેવીના ષડયંત્રનો પર્દાફાશ કરી નાખ્યો છે.

વડોદરામાં રહેતા ફરીયાદીએ દુબઈમાં રહેતા જયેશ ચૌહાણ સાથે લવમેરેજ કર્યા હતા. બંને પતિ પત્ની વચ્ચે સંબધો સારા હતા પરંતુ થોડાક સમય બાદ સંબધો વણસતા પતિ પત્નીએ કોર્ટમાં છુટાછેડા લેવા માટે કેસ કર્યો છે. જેમાં ફરિયાદી પત્નીએ પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી છે. ત્યારે આરોપી પતિ જયેશે પત્નીનું ચારિત્રય ખરાબ હોવાનુ કોર્ટમાં સાબીત કરવા માટે તેના બનેવી કૈલાશ પરમાર સાથે મળી ષડયંત્ર રચ્યુ હતું.

કૈલાશ પરમારે એક વકીલ મારફતે વડોદરામાં આવેલ મતદાર સુવિધા કેન્દ્રમાંથી ફરિયાદી પત્નીનું તેના મિત્રનું નામ સાથે ડુપ્લીકેટ ચૂંટણીકાર્ડ બનાવવા માટેનો પ્લાન બનાવ્યો હતો. જેમાં એક મહિલાએ મતદાર સુવિધા કેન્દ્રમાં એજન્ટ સાથે મળી ડુપ્લીકેટ ચૂંટણીકાર્ડ બનાવવા માટે આપ્યું હતું. મતદાર સુવિધા કેન્દ્રના કર્મચારીએ ડેટા કોમ્પ્યુટરમાં નાખતા તમામ માહિતીઓ ખોટી હોવાનું સામે આવ્યુ હતું. જેથી કર્મચારીએ ફરીયાદી પત્નીને ફોન કરી મતદાર સુવિધા કેન્દ્રમાં બોલાવી હતી.  જયાં ફરીયાદીએ ડુપ્લીકેટ ચૂંટણીકાર્ડ બનાવતી મહિલા અને એજન્ટને ઝડપી પાડી પોલીસને બોલાવી હતી.

પોલીસે બંનેની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેમાં સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. પોલીસે ફરીયાદીના પતિના બનેવી કૈલાસ પરમાર સામે ગુનો દાખલ કર્યો છે. સાથે જ ડુપ્લીકેટ ચૂંટણીકાર્ડ બનાવનાર એજન્ટને સાક્ષી તરીકે દર્શાવ્યો પરંતુ ડુપ્લીકેટ ચૂંટણીકાર્ડ બનાવવાના કૌભાંડમા કોણ કોણ સામેલ છે. તેની તપાસ કરવા માટે એજન્ટને આરોપી સુધ્ધા નથી બનાવ્યો કે તેની ધરપકડ નથી કરી જેથી પોલીસની તપાસ સામે સવાલ ઉઠી રહ્યા છે.

(5:37 pm IST)