Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

આંકલાવ તાલુકાના જીલોડ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં 3 ભાઈઓએ ઘટનાસ્થળેજ દમ તોડતા પરિવારમાં શોકની લાગણી

આંકલાવ:તાલુકાના જીલોડ ગામ પાસે આજે સાંજના સુમારે કાળમુખી ટ્રકે વેગનઆર કારને ટક્કર મારતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કોસીન્દ્રા ગામના ત્રણ પિતરાઈ ભાઈઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થતાં ગામમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આંકલાવ પોલીસે ફરાર થઈ ગયેલા ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

 


પ્રાપ્ત વિગતો અનુસાર કોસીન્દ્રા ગામે રહેતા ત્રણ પિતરાઈ ભાઈઓ અનવરમીંયા મલેક (ઉ. વ. ૩૮), નિયાઝમીંયા મલેક ((ઉ. વ. ૫૫)તથા અજીમમીંયા મલેક કડિયાકામની મજુરી કરીને જીવન ગુજરાન ચલાવે છે. હાલમાં બામણગામ ખાતે બાંધકામનું કામ ચાલી રહ્યું હોય તેઓ પોતાની વેગનઆર કાર લઈને સવારે જતા અને સાંજના સુમારે કામ પતાવીને પરત ઘરે આવતા હતા. આજે સાંજના છ વાગ્યા બાદ બાંધકામનું કામ પતાવીને ઘર તરફ જતા હતા ત્યારે જીલોડ ગામ નજીક પુરપાટ ઝડપે આવી ચઢેલી ઈંટો ભરેલી ટ્રકે વેગનઆરને ટક્કર મારતાં કાર રોડની સાઈડમાંથી કાંસમાં ઉતરી ગઈ હતી અને ઝાડ સાથે ભટકાઈ હતી જેમાં કારનો લોચો થઈ જવા પામ્યો હતો. 

કારમાં સવાર ત્રણેય પિતરાઈ ભાઈઓને માથામાં તથા શરીરના અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ધડાકાભેર અકસ્માત થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવની કામગીરી હાથ ઘરી હતી પરંતુ કાર કાંસમાં ઉતરી ગઈ હોય અને લોચો થઈ ગઈ હોય તેઓના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ આંકલાવ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને જેસીબી મશીનની મદદથી કારને કાંસમાંથી બહાર કાઢી હતી ત્યારબાદ કારના પતરાં ચીરીને તેમાંથી મૃતદેહો બહાર કાઢી પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. બીજી તરફ કોસીન્દ્રા ખાતે રહેતા ત્રણેયના પરિવારજનોને અકસ્માતની જાણ થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને હૈયાફાટ રૂદન ચાલુ કરી દીધું હતુ જેને લઈને વાતાવરણ ગમગીની થઈ જવા પામ્યું હતુ. કારને ટક્કર મારીને ટ્રકનો ચાલક ટ્રકને ત્યાં જ મુકીને ફરાર થઈ ગયો હતો.

(3:31 pm IST)