Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયા થયો છે? કયાંક ચામડી પર આવા ચાઠા ન પડી જાય?

અમદાવાદની વીએસ હોસ્પિટલ અને રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજના ડોકટર્સે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, આ વાઇરલ બીમારીઓને કારણે દર્દીની પીઠ અને પેટના ભાગમાં ચામડી નીકળી જવાના કેસ જોવા મળ્યા

અમદાવાદ તા. ૨૪ : પાછલા દોઢ વર્ષથી ગુજરાતના મોટાભાગના શહેરોમાં ડોકટર્સ ચિકનગુનિયા અને ડેન્ગ્યુનો શિકાર બનેલા દર્દીઓને બીમારી પછી ત્વચા પર થતી આફટર ઈફેકટ્સથી બચવાની સલાહ આપે છે. તાજેતરમાં જ અમદાવાદની વીએસ હોસ્પિટલ અને રાજકોટની PDU મેડિકલ કોલેજના ડોકટર્સે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, આ વાઈરલ બીમારીઓને કારણે દર્દીની પીઠ અને પેટના ભાગમાં ચામડી નીકળી જવાના કેસ જોવા મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર ૨૦૧૭ સુધી કુલ ૧૨૪ ચિકનગુનિયાના દર્દીઓની તપાસ કરવામાં આવી અને તેમના તારણો ઈન્ટરનેશનલ જરનલ ઓફ રિસર્ચ ઈન ડર્મેટોલોજીમાં પબ્લિશ કરવામાં આવ્યા છે. ડેંગ્યુના એક કેસમાં PDU કોલેજ રાજકોટના ડોકટર્સે એક ૧૮ મહિનાના બાળકનો ઉલ્લેખ કર્યો છે, જેને પહેલા દિવસે ચામડી પણ ચામઠા પડ્યા હતા અને બીજા દિવસે આખા શરીર પર પાણી વાળા ફોલ્લા થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ રિસર્ચ ધન્ય મોહન, કુલદીપ સિંહ, યોગેશ પરીખ, નીલા ભુપતાણી, પ્રિયંકા સૌંદર્વ, દિપ્તી પટેલ અને તેજસ્વી નામના રિસર્ચર્સ દ્વારા કરવામાં આવ્યું હતુ.

આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આ રીતની સાઈડ ઈફેકટ મહિલાઓમાં વધારે જોવા મળે છે. ૬૨.૯ ટકા દર્દીઓમાં ચામડી પર રેશ અથવા ડાઘ પડી જવાની ફરિયાદ મળી છે. આ સિવાય સ્કિન પર પિગમેન્ટેશનની ફરિયાદ પણ મોટા પ્રમાણમાં નોંધવામાં આવી છે. ૭.૨૫ ટકા દર્દીઓમાં નાક પર પિગમેન્ટેશન એટલે કે નાકની ચામડી પર કાળા ધબ્બા પડી ગયા હોવાનું જોવા મળ્યું. ૮.૮૭ ટકા દર્દીઓમાં અલ્સરની સમસ્યા નોંધવામાં આવી.

જનરલ ફિઝિશિયન ડોકટર એમ.આર.પરીખ જણાવે છે કે, ચિકનગુનિયાનો શિકાર દર્દીઓને સામાન્ય રીતે ગળા, કાનની બૂટ, વગેરે વિસ્તારોમાં રેશિસ જોવા મળે છે. અમે દર્દીઓને બીમારીમાંથી રિકવર થઈ રહ્યા હોય ત્યારે સ્કિન કેર માટેની ખાસ સલાહ આપીએ છીએ.(૨૧.૮)

(9:52 am IST)