Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

પાટણ જિલ્લામાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ : આનંદ સરોવર ઓવરફલો થતા સોસાયટીઓમાં પાણી ઘુસ્યા

સરસ્વતી તાલુકામાં સૌથી વધુ ૮.૬, પાટણમાં પ.૬, રાધનપુરમાં ૬ અને સિધ્ધપુરમાં સાડા પાંચ ઇંચ વરસાદ ખાબકયો

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ તા. ર૪ :.. પાટણ જીલ્લામાં શનિવારથી અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શનિવારથી શરૂ થયેલ વરસાદ આજે સોમવારે સવારે દશ વાગ્યા સુધીમાં મુશળધાર વરસાદ વરસતા સમગ્ર જીલ્લામાં પાણી-પાણીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

સતત અવિરત વરસાદે પાટણમાં ૮ ઇંચ સરસ્વતી તાલુકામાં આઠ ઇંચ રાધનપુરમાં ૭ ઇંચ સિધ્ધપુરમાં ૭ ઇંચ હારીજમાં ૭ ઇંચ શંખેશ્વરમાં ૪ ઇંચ સમીમાં ૩ ઇંચ ચાણસ્મામા ૪ ઇંધ જેટલો વરસાદ આજે સોમવારે સવારે આઠ વાગ્યા સુધીમાં નોંધાયો છે. સતત વરસાદની અછત ભોગવત પાટણ-બનાસમા ખેતીને લાયક અવિરત વરસાદ વરસી રહ્યો છે.

પાટણ શહેરમાં પડેલા અતિભારે વરસાદે સમગ્ર પાટણ શહેરને વરસાદી પાણીથી ધમરોળી નાખ્યુ છે. સમગ્ર નિચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આનંદ સરોવર તળાવ ઓવરફલો થત આજુ બાજુની સોસાયટીઓમાં ઘરોમાં અને રસોડામાં પાણી ફરી વળ્યા છે. ચિત્રકુટ સોસાયટી કર્મભૂમિ સોસાયટી રેલ્વે અંડર બ્રીજ કોલેજ રોડ તેમજ પિતાંબર તળાવ હંગામી બસ સ્ટેન્ડ સિધ્ધપુર ચાર રસ્તા પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યા છે. લોકો ભારે પરેશાનીમાં મુકાયા છે. નગરપાલિકાના પ્રી-પ્લાન અને વહીવટકર્તા વહીવટમાં નિષ્ફળ જતા પાટણની પ્રજામાં નગરપાલિકાના સત્તાધીશો સામે ભારે રોષ અને આક્રોશ વ્યાપ્યો છે.

પાટણની પ્રજા ભારે પરેશાનીમાં મુકાતા અને શહેરની પરિસ્થિતિ બગડતા ધોધમાર વરસતા વરસાદમાં ઘુટણસમા પાણીમાં જયાં પાણી ભરાયા છે. તે નિચાણવાળા વિસ્તારોમાં ધારાસભ્ય ડો. કીરીટભાઇ પટેલ છેલ્લા ત્રણ દિવસથી ફરી લોકોની સમસ્યા હલ કરી રહ્યા છે. સાથે પાલિકાના ચીફ ઓફીસર માળી પણ જોડાયા છે.

પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં ચીકાર વરસાદે ખેડૂતોમાં આશા અને આનંદની લાગણી જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી પાણીની અછત ભોગવતા આ ઉતર ગુજરાતમાં આજે ઠેરઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. પાટણથી કચ્છ સુધી છેલ્લા ત્રણ દિવસથી એકધારો મુશળધાર વરસી રહ્યો છે. પાટણ-બનાસકાંઠા-મહેસાણામાં ભારે વરસાદથી તબાહી સર્જાઇ છે. લોકોના ઘરોમાં પાણી ભરાયા નહી - નાળા છલકાયા.

(3:29 pm IST)