Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

દેશમાં વૃદ્ધોની સંખ્યા ૩.૮ ટકાના ચિંતાજનક દરે વધે છે

એજ વેન્ચર્સ અને પ્રારંભ બિલ્ડકોન દ્વારા કાર્યક્રમઃ જેની સામે ભારતની વસ્તી ૧.૮ ટકાના દરે વધી રહી છે

અમદાવાદ, તા.૨૪: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે હાલ ભારતમાં યંગસ્ટર્સની સંખ્યા વધુ હોવાના દાવા કરતાં હોય પરંતુ વાસ્તવિકતા એ છે કે, ભારતમાં વૃધ્ધોની સંખ્યા ૩.૮ ટકાના ચિંતાજનક દરે વધી રહી છે, જેની સામે ભારતની કુલ વસ્તી ૧.૮ ટકાના દરે વધી રહી છે. ૨૦૫૦સુધીમાં ભારતની કુલ વસ્તી ૧.૭૦ બિલિયનને આંબી જશે. આ સંજોગોમાં આવનારા સમયમાં ૨૦૨૫ સુધીમાં ભારત વૃધ્ધોની સૌથી વધુ સંખ્યા ધરાવતો દેશ બની જશે તેવી પૂરી શકયતા પ્રવર્તી રહી છે. આ સંજોગોમાં વૃધ્ધો માટે તેઓ તેમની પાછલી જીંદગીમાં મુકતમને હરીફરી શકે, દવા-સારવાર પામી શકે, તંદુરસ્ત અને આરોગ્યપ્રદ જીવન જીવી શકે તે પ્રકારનું વાતાવરણ, સેવા અને તમામ સુવિધા હાથવગી રહે તે પ્રકારનું આયોજન સિનિયર સીટીઝન્સ માટે પ્રશંસનીય કામગીરી કરનાર સ્વૈચ્છિક સંસ્થા એજ વેન્ચર્સ દ્વારા અમદાવાદના બાવળા પાસે પ્રારંભ બિલ્ડકોન સાથે મળી હાથ ધરાયું છે. આજના સમયમાં વૃધ્ધોની સારસંભાળ રાખવી અને તેમને તંદુરસ્ત જીવન અને મુકત વાતાવરણ પૂરું પાડવું એ ઘણી મહત્વની વાત બની ગઇ છે એમ અત્રે એજ વેન્ચર્સ ઇન્ડિયાના સીઇઓ અરૂણ ગુપ્તા અને પ્રારંભ બિલ્ડકોનના ડિરેકટર સચિન ચતુર્વેદીએ જણાવ્યું હતું. એજ વેન્ચર્સ ઇન્ડિયા અને પ્રારંભ બિલ્ડકોન દ્વારા શહેરમાં આજે સિનિયર સીટીઝન્સ નાગરિકોનો એક ખાસ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં એજ વેન્ચર્સ દ્વારા વૃધ્ધો અને તેમની પાછલી જીંદગીને લઇ કરાયેલા મહત્વના રિસર્ચ અને સર્વેની રસપ્રદ વિગતો પણ જણાવવામાં આવી હતી. એજ વેન્ચર્સ ઇન્ડિયાના સીઇઓ અરૂણ ગુપ્તા અને પ્રારંભ બિલ્ડકોનના ડિરેકટર સચિન ચતુર્વેદીએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલા કરતાં જમાનો હવે બદલાયો છે અને આજના વિભકત કુટુંબ તરફ વધી રહેલા યુગમાં યંગસ્ટર્સ પણ માનસિક તાણ અને દબાણ હેઠળ કામ કરી રહ્યા છે, ત્યારે તેઓ પણ વૃધ્ધજનોની પૂરતી સારસંભાળ કે કાળજી લઇ શકતા નથી, તે પણ એટલી જ વાસ્તવિકતા છે. તેથી માત્ર વૃધ્ધજનોને એક ઉત્સાહ, ઉમંગ અને આનંદયુકત જીવન પૂરું પાડવાના ઉમદા આશયથી એજ વેન્ચર્સ ઇન્ડિયાની સેવાનો પ્રારંભ- એક એક નયી જીંદગી કા માં લોન્ચ કરાઇ રહી છે. પ્રથમ ૨૦૦ વિલાઓનું બાંધકામ કરી દેવાયું છે અને તેની ડિલીવરી ચાલુ છે. આજના સેમીનારમાં વૃધ્ધજનો ખાસ કરીને સિનિયર સીટીઝનોએ ખાવા-પીવામાં શુ ધ્યાન રાખવું જોઇએ, કેવી રીતે પોતાના આરોગ્યની કાળજી લેવી, પોતાની જાતને કેવી રીતે ખુશ રાખવી, એકલતાપણું ના લાગે તેના માટે શું કરવું અને કેવી પ્રવૃત્તિ કરવી, પાછલી જીંદગીમાં પણ પોતાના શોખ અને અરમાનો કેવી રીતે પૂર્ણ કરવા તે સહિતના વિષયો પર પણ ખૂબ જ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, પ્રારંભ એક એવું આશ્રયસ્થાન બની રહેશે કે, જયાં વૃધ્ધજનો, સિનિયર સીટીઝન્સ નાગરિકોને તમામ પ્રકારની હુંફભરી સુવિધા પૂરી પાડશે, ઉપરાંત, અપંગ વ્યક્તિ માટે યોગ્યતા અને ઉચ્ચ પરાધીનતા સેવા પણ પૂરી પાડશે. અહીં સતત ૨૪ કલાક દરેક સમયે ડોક્ટર ઉપલબ્ધ હશે, ૨૪ કલાક નર્સ, સ્ટેન્ડબાય પર એમ્બ્યુલન્સ, ફિઝીયોથેરાપી સેન્ટર, ડાઇનિંગ, સલામત વોકવે, હોબી સેન્ટર, ટીવી, વિવિધ કાર્યક્રમો માટે ખુલ્લો વિસ્તાર, મંદિર વગેરે ઉપલબ્ધ રહેશે. સેવાનું એક વિશિષ્ટ લક્ષણ એ છે કે કી મેનેજમેન્ટ ટીમને રહેવાસીઓની સમાન સુવિધામાં રહેવું પડશે.આના થકી  એજ વેન્ચર્સ ઇન્ડિયા ટીમ અને રહેવાસીઓ વચ્ચે સંપૂર્ણ બંધન બનાવવાનું છે. વૃધ્ધજનોને સમય પસારની પ્રવૃત્તિઓમાં મનોરંજન પ્રવૃત્તિઓ, ઉત્સવ ઉજવણીઓ, પ્રવૃત્તિઓ, સાપ્તાહિક માળખાગત પ્રોગ્રામ, મેમરી વધારવા માટેની પ્રવૃત્તિઓ સહિતની અનેકવિધ પ્રવૃત્તિઓ પણ તેમના જીવનમાં ઉત્સાહ અને નવી ઉર્જાનો સંચાર કરશે.

(9:49 pm IST)