Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

શિક્ષિત, રોજગારી, સ્કીલ્ડથી સમાજને સુસજ્જ બનાવાશે

ભરવાડ યુવા સંગઠન સમાજની કાયાપલટ માટે તૈયારઃ ભરવાડ સમાજના યુવાઓને નોકરી માટે ૧૫૧ યુવાનોને મહિન્દ્રા બોલેરો મેક્સી ટ્રક પ્લસ ગાડીનું વિતરણ કરાયું

અમદાવાદ, તા.૨૪: માલધારી સમાજ શહેરમાં હવે પશુધન, ગૌચર કે અન્ય તેમની પુરાણી પ્રથા સાથે જીવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે બદલાતા સાંપ્રત યુગમાં સમાજની સાથે સ્પર્ધામાં રહી ભરવાડ સમાજના લોકો ખાસ કરીને યુવક-યુવતીઓ પણ જીવનમાં હરણફાળ વિકાસ અને પ્રગતિ કરી દરેક ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે તેવા ઉમદા આશય સાથે ભરવાડ યુવા સંગઠને હવે ભરવાડ સમાજની કાયા પલટ માટે અનોખુ બીડું ઝડપ્યું છે. આ માટે હવે ભરવાડ સમાજના લોકોને પણ શિક્ષિત, રોજગારી અને સ્કીલ્ડથી સજ્જ બનાવાશે. કોઇપણ સમાજમાં જોવા ના મળી હોય તેવી અનોખી પહેલ સાથે આજે ભરવાડ યુવા સંગઠન દ્વારા અમદાવાદ શહેરમાં ભરવાડ સમાજના યુવાઓને રોજગારી આપવા માટે ૧૫૧ યુવાનોને મહિન્દ્રા બોલેરો મેકિસ ટ્રક પ્લ ગાડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોઇપણ સમાજ દ્વારા એકસાથે યુવાઓને રોજગારીના આશયથી આટલી ગાડીઓ વિતરણ કરાયાની આ ઘટના રાજયમાં પ્રથમ હોવાની સાથે સાથે અનોખી અને પ્રશંસનીય કહી શકાય તેવી છે. હજુ આગામી દિવસોમાં આવી વધુ ૧૫૦ મહિન્દ્રા બોલેરો મેક્સી ટ્રક પ્લસ ગાડી ભરવાડ સમાજના યુવાઓને આપી તેઓને રોજગારી પૂરી પાડવામાં આવશે એમ અત્રે ભરવાડ યુવા સંગઠનના પ્રદેશમંત્રી અને પ્રવકતા ભરતભાઇ મેર અને ઉપપ્રમુખ મેહુલભાઇ ભરવાડે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભરવાડ સમાજના ભીષ્મ પિતામહ એવા ભવાન ભરવાડ અને ભરવાડ યુવા સંગઠનના અધ્યક્ષ દિલીપ ભવાનભાઇ ભરવાડના માર્ગદર્શન હેઠળ સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે  આવા નેતૃત્વની સાથે ખભેથી ખભે મિલાવી સૌ ભરવાડ સમાજના યુવાનો દ્વારા ભરવાડ યુવા સંગઠન બનાવાયું છે, જેના થકી સમાજના લોકોને ખાસ કરીને ગામડાના ભરવાડ અને માલધારી સમાજના લોકોને મદદ કરી સમાજમાં સન્માનજનક સ્થાન અપાવાશે. એટલું જ નહી, સમાજના નબળા વર્ગના અને આર્થિક જરૂરિયા ધરાવતા પરિવારોને અને ખાસ કરીને યુવક-યુવતીઓને શિક્ષણક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય, સ્કોલરશીપ સહિતની મદદ પણ પૂરી પાડવામાં આવશે. અત્યારસુધી ઉચ્ચ અભ્યાસ માટે ભરવાડ સમાજના યુવાઓને રૂ.૧૬ લાખથી વધુની સહાય કરવામાં આવી છે. તો, રાજયના ૧૯ જિલ્લાઓમાં સમાજના જરૂરિયાતમંદ લોકોને પુસ્તક-મટીરીયલ્સનું વિતરણ કરાયું છે. ભરવાડ યુવા સંગઠનના પ્રદેશમંત્રી અને પ્રવકતા ભરતભાઇ મેર અને ઉપપ્રમુખ મેહુલભાઇ ભરવાડે વધુમાં જણાવ્યું હતું કે, આ સંગઠન હાલ યુવાનો માટે યુવા રોજગાર યોજના અમલમાં મૂકી છે, આ યોજના અંતર્ગત ગુજરાત સ્થિત સમાજના ૧૫૧  યુવાનોને મહિન્દ્રા બોલેરો મેક્સી ટ્રક પ્લસ ગાડી એક પણ રૂપિયો ભર્યા વગર માસિક રૂ.૧૩૦૦૦ ના ૬૦ સરળ હપ્તે રોજગારી કરવા માટે ગાડી આપવામાં આવી છે. આ પ્રકારે નજીકના ભવિષ્યમાં એક હજારથી વધુ બોલેરો ગાડી ભરવાડ સમાજના યુવાનોને આપી તેઓને રોજગારી આપી આત્મનિર્ભર બનાવાશે.    ભરવાડ સમાજ પણ રાજયના અને દેશના વિકાસની હોડમાં કયાંય પાછળ ના રહી જાય અને દરેક ક્ષેત્રમાં તે સન્માનજનક સ્થાન હાંસલ કરે તેવા ઉમદા ધ્યેય સાથે ભરવાડ યુવા સંગઠનની અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલુ રખાશે એમ તેમણે ઉમેર્યું હતું. આજના પ્રસંગ દરમ્યાન ભરવાડ યુવા સંગઠનના પ્રવકતા રણછોડભાઇ ભરવાડ, મહામંત્રી અમિત ભરવાડ, પ્રદેશ મંત્રી મીતેશ ગોપાલ સહિત ભરવાડ સમાજના આગેવાનો, સંતો-મહંતો અને રાજકીય મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં  ભરવાડ સમાજ ના વડીલો અને સંતો એ કાર્યક્રમ માં હાજરી આપી હતી.

(9:49 pm IST)