Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

અમદાવાદમાં ભારે વરસાદથી ઘણા વિસ્તારમાં પાણી ભરાયા

પૂર્વના વિસ્તારોમાં પાણી ભરાયાની વધુ ફરિયાદો : બીઆરટીએસ કોરીડોરમાં પણ પાણી ફરી વળ્યા : ભારે વરસાદી ઝાપટાને લઇ શહેરીજનો હાલાકીમાં પણ મૂકાયા

અમદાવાદ, તા.૨૪ : અમદાવાદ શહેરમાં છેલ્લા પાંચ-છ દિવસથી મેઘરાજાની મહેર ચાલુ રહેતાં નગરજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આજે મેઘરાજા જાણે વધુ મહેરબાન થયા હોય તેમ શહેરમાં વહેલી સવારથી ધોધમાર અને તોફાની વરસાદના ઝાપટાં ચાલુ થયા હતા, જે સમગ્ર દિવસ દરમ્યાન સમયાંતરે ચાલુ રહ્યા હતા. આજે વરસાદની તીવ્રતા એટલી જોરદાર અને પ્રચંડ હતી કે, વરસાદના છાંટણા શરીરે વાગતા હતા. તોફાની વરસાદ અને તેના વેગને લઇ થોડી જ વારમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો અને પૂર્વના વિસ્તારોમાં ફરી એકવાર આજે વરસાદી પાણી ફરી વળ્યા હતા. દિવસ દરમ્યાન ચાલુ રહેલા ભારે અને તોફાની વરસાદના ઝાપટાઓને લઇ શહેરીજનો પણ હાલાકીનો ભોગ બન્યા હતા. ભારે વરસાદના કારણે આજે એક તબક્કે શહેરના વિવિધ બીઆરટીએસ કોરિડોરમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા, પૂરઝડપે બીઆરટીએસ બસ પસાર થાય ત્યારે પાંચથી છ ફુટ પાણી ઉછળતા હતા. જો કે, વરસાદી ઝાપટાં થોડીવાર માટે શાંત રહે ત્યારે ભરાયેલા પાણી ઓસરી જતાં હતા પરંતુ બપોરના સમયે વરસાદી ઝાપટાની તીવ્રતા ખૂબ વધુ અને પ્રચંડ જણાઇ હતી. અમદાવાદ શહેરમાં આજે વહેલી સવારથી જ થોડી થોડી વારના અંતરે વરસેલા હળવાથી ભારે અને ધોધમાર વરસાદના ઝાપટાંને પગલે સ્કૂલોએ કે નોકરી-ધંધા-રોજગાર પર જઇ રહેલા બાળકોથી લઇ નાગરિકોએ હાલાકીનો ભોગ બનવું પડયું હતું. રેઇનકોટ વિના નીકળેલા કેટલાક નાગરિકો અને યંગસ્ટર્સ ધોધમાર વરસાદમાં અટવાતાં કોઇ ઘટાદાર વૃક્ષ કે દુકાનની છત નીચે થોડીવાર માટે આશરો લેતા નજરે પડતા હતા. અમદાવાદ શહેરમાં ગઇકાલે રાત્રે પણ છૂટાછવાયા હળવા ઝાપટાં પડયા હતા પરંતુ આજે વહેલી સવારથી પડેલા ઝાપટાની તીવ્રતા  ગઇકાલની સરખામણીએ વધુ હતી. આજે વહેલી સવારથી શહેરના સેટેલાઈટ, નવરંગપુરા, નારણપુરા, ગુરૂકુળ, થલતેજ, બોપલ, મેમનગર, નિકોલ, વસ્ત્રાપુર, શાહીબાગ, બાપુનગર, મકરબા, રાયપુર, દાણીલીમડા, કાલુપુર, જીવરાજપાર્ક, એસ.જી.હાઈવે, ઘુમા, વાડજ, સાબરમતી અને વસ્ત્રાલ સહિતના વિસ્તારમાં મેઘરાજાએ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા એટલી વધુ હતી કે, વરસાદના છાંટા વાગે તેવા હતા. આજે બપોર દરમ્યાન પડેલા ભારે અને તોફાની વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં ફરી એકવાર પાણી ભરાયાની સમસ્યા સૌથી વધુ જોવા મળી હતી. તો, પશ્ચિમના ઉપરોકત વિસ્તારોમાં પણ બેથી ત્રણ ફુટ જેટલા સામાન્ય પાણી ભરાઇ ગયા હતા. એટલું જ નહી, એક તબક્કે વરસાદી પાણી બીઆરટીએસ કોરીડોરમાં ઘૂસી ગયા હતા, જેના કારણે પૂરપાટઝડપે પસાર થતી બીઆરટીએસ બસના કારણે પાંચથી છ ફુટ સુધીના પાણી ઉછળતા જોવા મળતા હતા. શહેરમાં ભારે વરસાદી ઝાપટા થોડી વાર માટે વિરામ લેતાં કે તરત જ ભરાયેલા વરસાદી પાણી ઓસરી જતા હતા. જેના કારણે શહેરીજનોએ એકંદરે રાહત અનુભવી હતી. શહેરમાં આજે પણ વરસાદી વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડવાની, ખાડાઓ પડવાની અને રસ્તાઓના ધોવાણની વ્યાપક ફરિયાદો પણ ઉઠવા પામી હતી. વરસાદી માહોલ વચ્ચે શહેરના વિવિધ માર્ગો પણ થોડા સમય માટે ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જો કે, ચોમાસાના માહોલને લઇ નાગરિકો વરસાદી મોજ માણતાં પણ નજરે પડતાં હતા. હવામાનખાતાએ હજુ પણ શહેરમાંસારા વરસાદની આગાહી કરી છે.

(8:26 pm IST)