Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ખંભાતના શક્કરપુરમાં અચાનક પરિવાર પર જીવલેણ હુમલાથી પોલીસ ફરિયાદ નોંધાઈ

ખંભાત:ના શક્કરપુરમાં રસ્તેથી પસાર થતાં યુવાન પર કેટલાક ઈસમોએ અચાનક ઘાતક હથિયાર વડે હુમલો કરતા મામલો બીચક્યો હતો અને જોતજોતામાં બન્ને કોમના ટોળા એકત્ર થઈ જતાં બાંકડા તેમજ કારની તોડફોડ કરી હતી જો કે પોલીસે તુરંત જ ઘટનાસ્થળે પહોંચી જઈને ટોળાને વિખેરી નાંખી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. 
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ બપોરના સુમારે ખંભાતના શક્કરપુર વિસ્તારમાં રહેતા મહંમદ જાવેદ (ઉ.વ. ૩૦)નાઓ પોતાના બે બાળકો નામે - રાકીબ (ઉ.વ. ૧૧) તથા શરમીન (ઉ.વ. ૮)ને શહેરની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવા નીકળેલ અને પોતાના બાઈક પર હોસ્પિટલેથી સારવાર લઈ મેતપુર શક્કરપુર રોડ પરના સર્કલ પાસેથી પસાર થતા હતા તે દરમ્યાન કેટલાક ઈસમોના ટોળાએ અચાનક આવીને રસ્તેથી પસાર થતા મહંમદ જાવેદે રાખેલ દાઢી જોઈ ટોળામાં ઘસેટી લાકડીઓ તેમજ ઘાતક હથિયારો વડે માથાના ભાગે માર મારતા જાવેદ લોહી લુહાણ થયો હતો તેમજ અગિયાર વર્ષિય રાકીબને પણ ખેંચાખેંચ કરતા તેના કપડા પણ ફાડી નાંખેલ અને તેને ખભાના ભાગે અને પગના ભાગે લાતો મારી જાનથી મારી નાખવાની કોશિષ કરી હતી. 
જોકે આઠ વર્ષીય પુત્રી સરમીન આવા ડરભર્યા દૃશ્યો જોતા બાઈક પાછળ સંતાઈ ગઈ હતી તેથી તેનો આબાદ બચાવ થયો હતો. આ બનાવની જાણ શહેરમાં વાયુવેગે પ્રસરતા મામલો બીચક્યો હતો. બંને જૂથો મારક હથિયારો સાથે સામસામે આવી ચઢ્યા હતા અને મારમારી ચાલુ કરી દીધી હતી. તોફાનીઓએ સીમેન્ટના બાંકડા તેમજ એક કારની તોડફોડ કરતાં ભયનું વાતાવરણ પ્રસરી જવા પામ્યું હતુ. જો કે મામલો વધુ બીચકે તે પહેલાં આવી ચઢેલી પોલીસે સ્થિતિ સંભાળી લીઘી હતી અને ટોળાઓને વિખેરી નાંખ્યા હતા. શહેર પોલીસે આ અંગે સરકાર તરફે ૨૦૦થી ૨૫૦ માણસોના ટોળા વિરૂધ્ધ રાયોટીંગનો ગુનો દાખલ કરીેને કાર્યવાહી હાથ ઘરી છે.

(5:10 pm IST)