Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

અમદાવાદ-ગાંધીનગરના રેડિયો કેબ ડ્રાઇવર્સે હડતાળ સમેટી લીધીઃ ૩ દિવસ દરમિયાન મુસાફરોને અનેક વિકટ પરિસ્‍થિતિઓનો સામનો કરવો પડ્યો

અમદાવાદ: ગુરુવારે મોડી રાત્રે અમદાવાદ અને ગાંધીનગરના રેડિયો કેબ ડ્રાઈવર્સે હડતાળ સમેટી લીધી છે. જો કે હડતાળના 3 દિવસ દરમિયાન કેબની અવેલિબિલિટી ઘટવાથી કેબના ભાડામાં ધરખમ વધારો થયો. અમદાવાદ-ગાંધીનગર રેડિયો કેબ ઓનર્સ અસોસિએશન (AGRCOA)ના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે, છેલ્લા 3 દિવસથી ઓલા અને ઉબર સાથે સંકળાયેલા ડ્રાઈવર્સ હડતાળ પર હતા. ડ્રાઈવર્સનો આરોપ છે કે, તેમના ઈન્સેન્ટીવમાંથી મન ફાવે તેમ રકમ કાપી લેવામાં છે અને કંપનીના અધિકારીઓ તરફથી ગેરવર્તણૂક કરાય છે.

હડતાળના કારણે કેબની સંખ્યા ઘટી હતી અને માગ વધારે હોવાથી કેબ કંપનીઓ દ્વારા લાગુ પાડવામાં આવતી કિંમતોના કારણે ભાડાના ભાવ વધ્યા. ગોતા રહેતા ભાવેશ શાહે જણાવ્યું કે, “જ્યારે વરસાદ પડે ત્યારે ઓફિસે જવા માટે કેબ બુક કરું છું. હડતાળના કારણે કેબ મોડી આવી સાથે જ ભાડું પણ સામાન્ય રીતે ચૂકવું છું તેના બમણા કરતાં પણ વધુ ચૂકવ્યું.” કેબના ન મળતાં કેટલાક લોકોને હાલાકી પણ ભોગવવી પડી.

શહેરના એક પ્રોફેશનલ પ્રકૃતિ શર્માએ જણાવ્યું કે, “એ દિવસ મેં જ્યારે કેબ બુક કરી ત્યારે પીક-અપ લોકેશન પર 15 મિનિટ પછી આવી. આવીને ડ્રાઈવરે રાઈડ શરૂ કરવા માટે OTP માગ્યો, તેણે એપમાં પંચ ઈન કરીને રાઈડ તરત જ કેન્સલ કરી દીધી અને જણાવ્યું કે, કેબ ડ્રાઈવર્સની હડતાળ છે અને ફક્ત ઈન્સેન્ટીવ લેવા માટે જ રાઈડ બુક કરી હતી. હવે સમય પાકી ગયો છે કે કેબ ડ્રાઈવર્સ અને કેબ કંપનીઓ સાથે મળીને જે પણ સમસ્યા હોય તેનું સમાધાન લાવી દે. કારણ કે તેમની સર્વિસ પર નિર્ભર રહેતા ગ્રાહકો જ અંતે પરેશાન થાય છે.”

(4:40 pm IST)