Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

અમદાવાદમાં રાજગરાના લોટમાં મેંદાની ભેળસેળ થતી હોવાનું ખુલ્યુઃ શ્રાવણ મહિનામાં ઉપવાસ કરનારા લોકોના ઉપવાસ તૂટી જાય તેવું વેપારીઓનું કારસ્તાન

અમદાવાદ: શ્રાવણના ઉપવાસમાં તમે પણ કદાચ રાજગરાના લોટની પૂરી, કઢી, શીરો, ખીર કે પછી ખીચડી અને પરોઠા હોશે-હોશે ખાતા હશો. જોકે, કેટલાક બ્રાન્ડેડ રાજગરાના પેકેટમાં એક એવી વસ્તુની મિલાવટ થતી હોવાનું બહાર આવ્યું છે કે જે તમારો ઉપવાસ તોડી શકે છે. આમ પણ, ઉપવાસમાં અનાજ નથી ખાવાનું હોતું, પરંતુ તમે જેને ફરાળી માનો છો તે રાજગરાનો લોટ જ તમારો ઉપવાસ તોડાવી શકે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં જ કેટલાક બ્રાન્ડેડ રાજગરાના લોટના નમૂના લેવામાં આવ્યા હતા. લોકો ઉપવાસમાં જેની વાનગીઓ હોશે-હોશે ખાય છે તેવા રાજગરાના લોટના કેટલાક સેમ્પલમાં મેદાના લોટની ભેળસેળ થતી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં જ કોર્પોરેશન દ્વારા 1,241 ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં રાજગરાના લોટનો પણ સમાવેશ થતો હતો.

કોર્પોરેશનની લેબોરેટરીના ડિરેક્ટર અતુલ સોનીના જણાવ્યા અનુસાર, શ્રી સ્વામિનારાયણ, શ્રી નિલકંઠ અને રજીકાર્તિ નામની રાજગરાના લોટની ત્રણ બ્રાન્ડ્સમાં મેદાના લોટની ભેળસેળ થતી હોવાનું ચેકિંગમાં જાણવા મળ્યું છે. આ ત્રણેય બ્રાન્ડના પેકેટ પર 100 ટકા રાજગરાનો લોટ એવું લખેલું હોય છે, પરંતુ ખરેખર તો લોટમાં મેદાની ભેળસેળ કરાતી હતી.

ફુડ ઈન્સ્પેક્ટર રાકેશ ગામિતના જણાવ્યા અનુસાર, કોર્પોરેશન દ્વારા માવા, દાબેલી, બરફી, રતલામી સેવ, ટોસ્ટ, લાલ મરચું, બટર, લોલિપોપ તેમજ રાજગરાના લોટના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી રાજગરાના લોટની ત્રણ બ્રાન્ડમાં મેદાના લોટની હાજરી મળી હતી. ચોખ્ખા ઘીની મીઠાઈ તરીકે વેચાતી મીઠાઈઓમાં પણ પામોલિન તેલની ભેળસેળ કરાતી હતી.

એક કિલો રાજગરાના એક કિલો લોટની કિંમત આશરે 150 રુપિયા થાય છે. જ્યારે 1 કિલો મેદો 45 રુપિયામાં મળે છે. જો રાજગરાના લોટમાં મેદાની ભેળસેળ કરાય તો તગડો નફો થાય છે. રાજગરાનો લોટ બનાવનારાઓની એવી પણ દલીલ છે કે જો મેદો ન હોય તો રાજગરાનો લોટ ગૂંથાય જ નહીં, પરંતુ શક્કરીયા, શિંગોડાનો લોટ મિક્સ કરીને પણ રાજગરાના લોટને ગૂંથી શકાય છે.

(4:41 pm IST)