Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ગુજરાતની ૫ નદીઓને જળ વ્યવહાર માટે તૈયાર કરાશે

કંડલા પોર્ટ ટ્રસ્ટને વધુ એક મોટી જવાબદારી સોંપાઇ : 'નેશનલ વોટર-વે' પ્રોજેકટ સોંપાયો : કરી શકશે?

રાજકોટ તા. ૨૪ : દેશમાં કાર્ગોની દ્રષ્ટિએ પ્રથમ ક્રમાંકિત કંડલાના દીન દયાલ પોર્ટ (ડીપીટી) દ્વારા સરકાર દેશભરમાં સડક માર્ગોની જેમ નદીઓમાં પણ માલની હેરાફેરી માટે નેશનલ વોટર વે બનાવવાની તૈયારીઓ શરૂ કરી છે. જેમાં ગુજરાતની નદીઓને યાતા-યાત માટે તૈયાર કરવાની જવાબદારી કંડલા પોર્ટને સોંપવામાં આવી છે.

રાજયની કુલ પાંચ નદીઓ આના માટે હાલ પસંદગી કરવામાં આવી છે.આ અંગે મળતી વિગતો મુજબ ડીપીટીના અનેક મહત્વપૂર્ણ પ્રોજેકટ હાલ આંટીઘુંટીમાં ફસાયેલા છે. કેટલાકની પર્યાવરણની મંજૂરી મળી નથી તો કેટલાક કાનુની અડચણોનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને પીપીપી પ્રોજેકટના કારણે પોર્ટ અને સરકારને અબજો રૂપિયાની ખોટનો સામનો કરવો પડયો છે. ખૂદ વડાપ્રધાન એક વર્ષ પહેલા ખાત મુહૂર્ત કરી ગયેલાઅનેક પ્રોજેકટો હજુ શરૂ પણ થયા નથી. ડીપીટીમાં કાયમી ચેરમેન સહિતના અધિકારીઓની જગ્યા લાંબા સમયથી ખાલી છે.

તેવામાં કેન્દ્ર સરકારે ડીપીટીના ઉપર વધુ એક મોટી કામગીરી સોંપી દીધી છે. દેશના પાંચ મહા બંદરગાહો દીન દયાલ પોર્ટ (કંડલા), પારાદીપ,જેએનપીટી(મુંબઈ), માર્મગોવા અને ન્યુ મેંગલોર પોર્ટને તેઓના રાજય-વિસ્તારમાં આવતી નદીઓને નેશનલ વોટર વેમાં પરિવર્તિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે કે આ નદીઓને માલની યાતા-યાતને અનુકુળ બનાવવાની યોજના છે.

કંડલા પોર્ટને ગુજરાતની નર્મદા, તાપી, મહિ તથા કચ્છના રણમાં લુપ્ત થતી જવાઈ અને લુણી નદીને નેશનલ વોટર વે તરીકે વિકસીત કરવાની કામગીરી સોંપવામાં આવી છે. જોકે આ કામ માટે ગ્રાન્ટ ઈનલેન્ડ વોટર વેસ ઓથોરીટી ઓફ ઈન્ડિયા આપશે. માત્ર કામગીરી મહાબંદરગાહોની દેખરેખમાં કરવામાં આવશે.

આ નદીઓ પર બનશે નેશનલ વોટર વે

વોટર વે નંબર

લંબાઈ(કી.મી)

નદી

નેશનલ વોટર વે નં.૬૬

૨૪૮

મહી

નેશનલ વોટર વે નં.૭૩

૨૨૭

નર્મદા

નેશનલ વોટર વે નં.૧૦૦

૪૩૬

તાપી

નેશનલ વોટર વે નં.૪૮

૫૯૦

જવાઈ-લુણી

નેશનલ વોટર વે નં.૬૩

૩૨૭

લુણી

(4:05 pm IST)