Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

હાર્દિક ૩૦ મીએ હાજર રહે : હાઇકોર્ટનો આદેશ

આરોપી ઇરાદાપૂર્વક હાજર રહેવાનું ટાળે છે : કોર્ટની કાર્યવાહીને ગણકારતો નથીઃ સરકારી વકિલ

અમદાવાદ, તા. ર૪ : રાજદ્રોહના કેસમાં પાસના નેતા હાર્દિક પટેલ સહિત અન્યો સામે કોર્ટમાં ચાર્જફ્રેમના તબક્કે આરોપીઓ હાજર નહીં રહેતા આખરે કોર્ટે આખરી તક આપી આગામી ૩૦મી ઓગસ્ટની મુદતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. સાથે હાઇકોર્ટમાં તેમના પડતર કેસનું સ્ટેટ્સ પણ જણાવાવ માટે આદેશ આપ્યો છે.

 સરકાર તરફથી કહેવાયું કે આરોપી ઇરાદાપૂર્વક કોર્ટમાં હાજર રહેવા ટાળે છે. પાસના નેતા હાર્દિેક પટેલ સહિત અન્ય આરોપીઓ સામે રાજદ્રોહના કેસમાં સરકાર તરફથી એડવોકેટ એચ.એમ. ધ્રુવ, સુધીર બ્રહ્મભટ્ટ તેમજ અમિત પટેલ દ્વારા કોર્ટ સમક્ષ એવી રજુઆત કરવામાં આવી હતી કે, આરોપી ઇરાદાપૂર્વક કોર્ટમાં હાજર રહેવાનું ટાળી રહ્યો છે. તેમજ કોર્ટની કાર્યવાહીને ગણકારતો નથી.

આરોપી ઇરાદાપૂર્વક કેસની પ્રક્રિયાને વિલંબમાં નાખી રહ્યો છે કોર્ટે અત્યાર સુધી આરોપીની માંગણી મુજબ તારીખો આપી છે. આરોપી પાસે જાહેર સભામાં લોકોને સંબોધન કરવાનો સમય છે પરતુ કોર્ટમાં આવવાનો સમય નથી જેથી આરોપી સામે પકડ વોરંટ ઇશ્યુ કરી તેને આગામી મુદતે કોર્ટ સમક્ષ હાજર કરવા હુકમ કરવો જોઇએ.

બીજી તરફ કોર્ટ સમક્ષ તરફથી એવી રજુઆત કરાઇ હતી કે, કોર્ટ આગામી મુદત આપે તો તે મુદતે તેઓ હાજર રહેવા તૈયાર છે.

(4:01 pm IST)