Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

કાલથી હાર્દિક ઘરે ઉપવાસ કરશે : સોમવારે રામોલ કેસનો ચુકાદો

૨૫મીએ રાજ્યભરના પોલીસ અધિકારીઓને હેડ કવાર્ટર પર હાજર રહેવાના પોલીસ વડાના આદેશો અંગે અનેક તર્કવિતર્ક... ભારે ઉત્તેજના

રાજકોટ તા. ૨૪ : ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે હાર્દિક પટેલની ઉપવાસની ચીમકી સામે સરકારી તંત્ર સચેત બન્યું.

પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવાં માફીને લઇ પાટીદાર અનામત આંદોલન સમિતીના કન્વીનર હાર્દિક પટેલે આવતી કાલથી આમરણાંત ઉપવાસની જાહેરાત કરી છે. ઉપવાસ અંગેની પોલીસે મંજૂરી આપી નથી. જેથી હાર્દિક પટેલે હવે વૈષ્ણોદેવી ગ્રીનવૂડસ પાસે આવેલા પોતાના છત્રપતિ નિવાસમાં ઉપવાસ કરવા નિર્ણય કર્યો છે.

બીજી તરફ હાર્દિક પટેલના રામોલના કેસમાં જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરાઇ છે તેનો ચુકાદો હવે સોમવારે આવવાનો છે. આવતીકાલનાં ઉપવાસની જાહેરાતને લઇ પોલીસે હાર્દિક પટેલના નિવાસ સ્થાને વોચ ગોઠવી છે. હાર્દિકને સમર્થન આપવા આવી રહેલા ૧૫ જેટલા પાસના કાર્યકરો-અગ્રણીની રાજકોટ ખાતે પોલીસે અટકાયત કરી છે.

હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને લઇ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન વણસે તેને લઇ પોલીસ આજથી જ એલર્ટ થઇ ગઇ છે. હાર્દિક પટેલે ઉપવાસની જાહેરાત કરી ત્યારે જ ગમે તે ભોગે ઉપવાસ કરવાની તેણે તૈયારી બતાવી હતી.

હાર્દિક પટેલ આવતી કાલે ઉપવાસ કરે તે પહેલાં જ તેની ધરપકડ કરાય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. ૧૯ ઓગસ્ટના રોજ એક દિવસના પ્રતીક ઉપવાસની પણ તેણે જાહેરાત કરી હતી જેમાં ઉપવાસ કરે તે પહેલાં તેની અટક કરી લેવાઇ હતી.

આવતી કાલના ઉપવાસ માટે પણ પોલીસની મંજૂરી મળી શકી નથી જેથી આવતી કાલે પણ ઉપવાસ પહેલાં તેની અટકાયત કરવામાં આવે તેવી શકયતા છે. હાર્દિક પટેલની જો અટકાયત કરવામાં આવે તો ૧૯, ઓગસ્ટના રોજ અટકાયત બાદ સુરત સહિતના શહેરોમાં જે રીતે વિરોધ અને તોડફોડના બનાવો બન્યા હતા તેવી પરિસ્થિતિ આવતી કાલે ન સર્જાય તે માટે પોલીસ આજથી અલર્ટ બની ગઇ છે. રાજયના તમામ પોલીસકર્મીઓની રજા રદ કરી દેવાઇ છે.

શહેરનાં નિકોલ, રામોલ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અત્યારથી જ પોલીસ પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. જો આવતી કાલે હાર્દિક પટેલની અટકાયત કરાશે તો તે જેલમાં ઉપવાસ કરશે તેવી જાહેરાત તેણે અગાઉ કરી છે.

જયારે બીજી તરફ હાર્દિક પટેલની ધરપકડ કરાશે તો પાસના અન્ય નેતાઓ અલગ અલગ જગ્યાએ ઉપવાસ કરશે તેવું પાસનાં સૂત્રોએ જણાવ્યું હતું.

આવતીકાલે પાસ કન્વિનર હાર્દિક પટેલ અમરણાંત ઉપવાસ પર બેસવા મક્કમ છે. જોકે હજી સુધી તેના ઉપવાસ આંદોલન માટે મંજૂરી અપાઈ નથી. તો હાર્દિક પર ચાલતા બે કેસનો અમદાવાદમાં સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટમાં ચુકાદો છે. તે પહેલા હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન મક્કમ જ રાખવાની વાત કરી હતી. હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કર્યો હતો અને ઉપવાસ આંદોલનને મંજૂરી શા માટે આપવામાં નથી આપતી તેવો સવાલ કર્યો છે.

ખેડૂતોનું દેવુ માફ કરવાની માંગણી સાથે હાર્દિક પટેલે ૨૫ ઓગસ્ટથી બોપલ તેના ઘરે આમરણાંત ઉપવાસ ઉપર બેસવાની જાહેરાત કરી છે. જેના પગલે ૨૩થી ૨૫ ઓગસ્ટ સુધી રાજયના તમામ પોલીસ અધિકારી-કર્મચારીઓની રજાઓ કેન્સલ કરી દેવાઇ છે. આ અંગે એક પોલીસે જણાવ્યું. ઉપવાસ ઉપર બેસે હાર્દિક અને રજા અમારી કેન્સલ થાય આ કયાંનો ન્યાય. સ્ટેટ કંટ્રોલ રૂમના નાયબ પોલીસ અધિક્ષક જી.જી. જેસાણીએ પરિપત્ર કરીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રજાઓ કેન્સલ કરી છે અને રજા પર ગયેલા કર્મીઓને પાછા બોલાવી દેવાનો આદેશ કર્યો છે.

(4:01 pm IST)