Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ઓનલાઇન બાંધકામના પ્લાનો પાસ કરાવવામાં ગૂંચ : કન્સલ્ટન્ટો - ઇજનેરો આમને - સામને

એન્જિનીયરો - કન્સલ્ટન્ટોની હડતાલથી હાલાકી વધી : યોજના અટવાઇ ગઇ : વચલો રસ્તો નિકળશે

રાજકોટ તા. ૨૪ : રાજ્યમાં બાંધકામના નવા પ્લાન ઓનલાઇન પાસ કરવાની બાબત જાહેરાત કર્યાના ત્રણ મહિના પછી પણ સ્થિતિ થાળે પડી નથી જણાતી. સામેથી સોફટવેરની ખામીના કારણે ગુંચવાડાભરી બની ગઇ છે. પ્લાન મુકનાર એન્જીનિયરો - કન્સલ્ટન્ટોનું કહેવું છે, પ્લાન મુકયા પછી એક પછી એક કવેરિઝ કોમ્પ્યુટર કાઢયા જ કરે છે તેથી પ્લાન પાસ કરાવવાની બાબત મુશ્કેલ બની ગઇ છે, જ્યારે સોફટવેર એન્જિનિયરોનું કહેવું છે કે, એન્જિનિયરોને પ્લાન બનાવતા જ નથી આવડતું.

આમ, બંને પક્ષો વચ્ચે આક્ષેપો અને પ્રતિ આક્ષેપો વચ્ચે યોજના અટવાઇ છે. એટલું જ નહિ સામસામે ભ્રષ્ટાચારની બાબતે પણ આક્ષેપો અંદરખાને શરૂ થયા છે.

બીજી તરફ અમદાવાદ મ્યુનિ.માં મુકાયેલા ૩૧૫માંથી માત્ર નાના બંગલાઓના ૩૧ જેટલા જ પ્લાન પાસ થઇ શકયા છે. આ જ સ્થિતિ અન્ય મ્યુનિ. કોર્પોરેશનો અને ઔડા જેવી ઓથોરિટીની છે. કામની ઝડપ આવે અને કરપ્શન બંધ તેવા ટીમ હેતુથી મુકાયેલી યોજના તેની ખામીઓના કારણે નિષ્ફળ જવાની ભીતિ પેદા થઇ છે. એન્જિનિયરો શા માટે સોફટવેરની માંગને સમજવા તૈયાર નથી અને બીજી તરફ સોફટવેરની ખરેખર ખામીઓ હોય તો તે શા માટે દૂર કરવાના પ્રયાસો થતા નથી, તે બાબત બંને પક્ષે એકસરખી લાગુ પડે છે.

દરમિયાનમાં એન્જિનિયરો અને કન્સલ્ટન્ટોએ ઓનલાઇન પ્લાન નહી મૂકવાનું નક્કી કરી હડતાળ પર ગયા છે. આ બાબતે ગાંધીનગરમાં પણ મીટીંગો થતી રહે છે. હવે, વચલો કોઇ રસ્તો નીકળે તેની રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલાઓ રાહ જોઇ રહ્યા છે.

(3:52 pm IST)