Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

સાયબર ક્રાઈમ મોટો પડકાર બની ગયો : મોદીની કબૂલાત

ગાંધીનગરમાં જીએનએફયુમાં સંબોધન કર્યું : ફોરેન્સિક સાયન્સ, પોલીસ, ન્યાયતંત્ર ક્રિમિનલ જસ્ટિસ ડિલિવરી સિસ્ટમના અંગ બની ગયા છે : વડાપ્રધાન મોદી

અમદાવાદ, તા. ૨૩ : ગુજરાતની એક દિવસની યાત્રાએ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા અને અંતિમ કાર્યક્રમના ભાગરુપે જુનાગઢથી ગાંધીનગર પહોંચ્યા હતા. ગાંધીનગર હેલીપેડ ખાતે ઉતરીને  કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના કોન્વોકેશન કાર્યક્રમમાં હાજરી આપતા મોદીએ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓને સંબોધન પણ કર્યું હતું. ચોથા પદવીદાન સમારોહને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, સાયબર ક્રાઈમ આજે ભારત માટે જ નહીં બલ્કે સમગ્ર વિશ્વમાં મોટા પડકાર તરીકે છે. સાયબર ક્રાઈમને રોકવાની બાબત ખુબ જ મુશ્કેલરુપ બની ગઈ છે. નવી ટેકનોલોજી કુશળ નિષ્ણાતો વિકસાવે તે સમય છે. તેમણે ઉમેર્યું હતું કે, ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જીએફએસયુ વિશ્વમાં પોતાનું ખાસ સ્થાન ધરાવે છે. તેનું ખાસ મહત્વ રહેલું છે. અહીં ૬૦૦૦થી પણ વધારે અધિકારીઓને વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી છે. ટ્રેનિંગ લઇને પોલીસ અધિકારીઓ સેવામાં તેનો ઉપયોગ કરી રહ્યા છે. ડિજિટલ ક્ષેત્રે થયેલા વિકાસની વાત કરતા મોદીએ કહ્યું હતું કે, ડિજિટલ ક્ષેત્રનું યોગદાન દિનપ્રતિદિન વધી રહ્યું છે. પોતાના સ્વપ્નને પરિપૂર્ણ કરવા આત્મવિશ્વાસ અતિજરૂરી હોવાની વાત કરી હતી. સાથે સાથે પોતાનામાં વિશ્વાસ રાખવાની પણ વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, ફોરેન્સિક સાયન્સ, પોલીસ અને ન્યાયતંત્ર ત્રણેય ક્રિમિનલ જસ્ટિસ ડિલિવરી સિસ્ટમના ભાગ તરીકે છે. દેશમાં ત્રણેય અંગ જેટલા મજબૂત થશે ત્યાંના નાગરિકો તેટલા જ સુરક્ષિત થશે. ક્રિમિનલ ગતિવિધિઓ પણ આના કારણે નિયંત્રિત થાય છે. મોદીએ ૩૧ ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. વડાપ્રધાન મોદીના આગમન પહેલા ગાંધીનગરમાં વરસાદ પણ થયો હતો. પદવીદાન કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સફળતા બદલ મોદીએ શુભેચ્છા પાઠવી હતી.

(8:39 pm IST)