Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

વલસાડના ડિપ્લોમા મેકેનિકલ એન્જીનીયરે જાતે સ્ક્રેપમાંથી ખેડૂતોને ઉપયોગી મીની ટ્રેકટરનો આવિષ્કાર કરી બતાવ્યો

આત્મનિર્ભરની વાતથી પ્રભાવિત થઈ સમયનો સદુપયોગ કરી બનાવેલી ડિઝાઇનના સથવારે ટાયર સિવાય બાઇકથી લઈ ફોર વ્હિલના જુના પાર્ટ્સ વિવિધ સ્થળો પરથી શોધી કાઢયા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :મક્કમ મનોબળ અને આત્મવિશ્વાસનો પરચો વલસાડના ડિપ્લોમા મેકેનિકલ એન્જીનીયરે જાતે સ્ક્રેપમાંથી ખેડૂતોને ઉપયોગી મીની ટ્રેકટરનો આવિષ્કાર કરી બતાવ્યો છે. હાલની કોરોના મહામારીમાં પીએમ નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભરના સંદેશને આ યુવાને ચરિતાર્થ કર્યો છે.

  વલસાડ તાલુકાના પીઠા ગામના પહાડ ફળિયાના ડિપ્લોમા મેકેનિકલ એન્જિનિયર અને વધુ અભ્યાસ અર્થે વિદેશમાં જઈ રહેલા તેજસ્વી યુવાન અક્ષય પટેલે પીએમની મન કી બાત કાર્યક્રમમાં આત્મનિર્ભરની વાતને મનમાં ગાંઠ વાળી કંઈક કરવાના વિચાર સાથે મીની ટ્રેકટરની ડિઝાઇન બનાવી એ દિશામાં આગળ વધી આશરે દોઢ મહિનાની મેહનતને અંતે આશરે 60 કિમીનું માઇલેજ આપતું ખેતી કાર્યોમાં સહાયરૂપ મીની ટ્રેકટર બનાવ્યું છે. અક્ષય પટેલ કહે છે લોકડાઉનમાં પીએમના આત્મનિર્ભરની વાતથી પ્રભાવિત થઈ સમયનો સદુપયોગ કરી બનાવેલી ડિઝાઇનના સથવારે  ટાયર સિવાય બાઇકથી લઈ ફોર વ્હિલના જુના પાર્ટ્સ  વિવિધ સ્થળો પરથી શોધી કાઢયા હતા. અને થ્રિ-વ્હિલના એન્જીન અને ગિયર બોક્ષનો ઉપયોગ અને શાર્પ પિન સહિતના અમુક પાર્ટ્સ જાતે બનાવી મીની ટ્રેકટરના આવિષ્કાર સાથે ઇચ્છાશક્તિનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે

 . આત્મવિશ્વાસથી ભરપૂર અક્ષર પટેલ જણાવે છે અહીંના વિસ્તારમાં આંબાવાડીઓ વિપુલ પ્રમાણમા છે. ખેતરોમાં બાઇક ચલાવવામા પડતી તકલીફને પગલે બનાવેલી બાઇકની ક્ષમતા ઓછી હોવાથી વધુ ક્ષમતા ધરાવતા સાધન બનાવવાની ઈચ્છા પણ હતી. આ વચ્ચે આત્મનિર્ભરની મનમાં ગાંઠ વાળી લોકડાઉનમાં ખેતીના દરેક કામમાં ઉપયોગી સાબિત થાય અને ખર્ચ પણ વધુ નહીં આવે એ મુજબનું આ સાડા સાત એચપીનું મીની ટ્રેકટર બનાવ્યું છે. અને આ મીની ટ્રેકટરની સાથે જોડેલા ટ્રેલર મારફતે  ખેતી માટે ખાતરની બેગ  લઈ જવામાં, લાકડા લાવવા માટે અને મુખ્યત્વે કેરીના પાકને લાવવા અને માર્કેટ સુધી લઈ જવામાં ખૂબ સહાયરૂપ સાબિત થઈ શકે એમ છે.

 વધુમાં યુવાને એક પ્રકારે એક વ્યકતિ આ મીની ટ્રેકટર મારફતે એક થી વધુ ખેતીના કર્યો કરી શકે એમ જણાવ્યું છે. આ મીની ટ્રેકટરની ક્ષમતા ઓનલોડ દોઢ ટન અને કેંરિંગ ક્ષમતા અઢી ટન હોવાની માહિતી પણ યુવાને આપી છે. આ મીની ટ્રેકટરથી પ્રભાવિત અન્ય ખેડૂત હર્ષદભાઈ પટેલ કહે છે અહીંયા બધા સામાન્ય ખેડૂત છે. મોટા સાધન લઈ શકે એમ નથી. યુવાને બનાવેલું આ મીની ટ્રેકટર માલવાહક સહિત અન્ય ખેતી કાર્યોમાં ઘણું ઉપયોગી સાબિત થશે. આ શ્રેષ્ઠ નિર્માણ છે. આમાં હજી થોડો ફેરફાર કરી કલ્ટી બનાવિશુ. જેથી હળવી ખેડ પણ થઈ શકશે. સાથે કલ્ટીમાં ઓળની લગાવી બે માણસ બેસી દાણા નાખવાથી ઓળનીની કામગીરી પણ થશે. ટ્રેલરમાં આંઠ કેરેટ આરામથી ફિટ થતા હોવાથી આંઠ મણ કેરીના વ્યવસ્થાપનમાં પણ મદદરૂપ થશે.

(11:19 pm IST)