Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

રાજ્યમાં ફરી વખત વરસાદી માહોલ જામે તેવા અણસાર

ત્રણ દિવસમાં પાંચ વિસ્તારોમાં વરસાદની આગાહી : હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૨૬ જુલાઈ સુધીમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના

અમદાવાદ, તા. ૨૪રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ મામલે હવામાન વિભાગે આગાહી આપી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ હળવાથી ભારે વારસાદ પડી શકે છે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા વરસાદી માહોલ જામ્યો છે. જે અનુસંધાને આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે. આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારે વરસાદ પડવાની સંભાવનાછે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૨૪ થી ૨૬ જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિ ઊભી થતાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે. હાલ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. ત્યારે હવે હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ વિભાગમાં થન્ડરસ્ટોર્મની આગાહી આપી છે.

પોરબંદરશુક્રવારે પોરબંદર જિલ્લાના બરડા પંથક અને ઘેડ પંથકના અમુક ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. પોરબંદર શહેર અને જિલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.

મહીસાગરજિલ્લામાં સાર્વત્રિક વરસાદનું આગમન થયું છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી અમુક વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો.

સુરત શહેર અને જિલ્લોસુરત શહેરમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે શરુ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જિલ્લાના બારડોલી, માંડવી, મહુવા, પલસાણા, કામરેજ પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

અરવલ્લીજિલ્લામાં સવારે વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. મેઘરેજ અને મોડાસા તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે માલપુર, બાયડ, ધનસુરામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદથી ચોમાસું પાકને જીવતદાન મળ્યું છે.

પંચમહાલગોધરામાં સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થયુંછે. ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદનું આગમન થતાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વાવણી પછી વરસાદ થતાં ખેડૂતોને પોતાનો ઊભો પાક સુકાઈ જવાની ભીતિ લાગી રહી હતી. સમયસર વરસાદનું આગમન થઈ જતાં ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

(10:26 pm IST)