Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

શેર વેચવાનું કહી યુવક સાથે ૧૬ લાખની ઠગાઈ આચરી

કોલકાતાના યુવકની અમદાવાદના યુવક સાથે છેતરપિંડી : હીરો ફિનકોર્પ-ઓકલેન્ડ કંપનીના શેર વેચાણ આપવાનું કહી ૧૫.૭૦ લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ

અમદાવાદ, તા. ૨૪ : કોલકતાના શખ્સે હીરો ફિનકોર્પ અને ઓકલેન્ડ કંપનીના શેર વેચાણ આપવાનું કહી અમદાવાદના યુવક સાથે રૂ.૧૫.૭૦ લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ યુવકને ફોન કરી હીરો ફિનકોર્પ કંપનીના ૬૦૦ શેર વેચાણ આપવાનો પહેલો સોદો કર્યો હતો. જે પેટે યુવકે પૈસા જમા કરાવતા આરોપીએ યુવકના ખાતામાં શેર જમા કરાવી વિશ્વાસ કેળવ્યો હતો. બીજા સોદામાં આરોપીએ બીજા ૧૨ હજાર શેર બે કંપનીના વેચાણ આપવાનું કહી યુવક પાસે રૂ.૧૫.૭૦ લાખ પોતાના ખાતામાં ભરાવી શેર મોકલ્યા હતા.

            રાણીપના રાધાસ્વામી રોડ પર રહેતાં અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા જીગ્નેશ વીનુભાઈ ગોહેલે રાણીપ પોલીસ સ્ટેશનમાં આરોપી કૃણાલ કુમારપાલ શાહ નામધારી કોલકતાના શખ્સ વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ ગુરુવારે નોંધાવીછે. પોલીસ ફરિયાદ મુજબ, તા.૧૦-૧૨-૨૦૧૯ના રોજ જીગ્નેશભાઈ તેમની ઓફિસમાં હતા, તે સમયે કૃણાલનો ફોન આવ્યો હતો. આરોપીએ તમે શેર બજારનું કરો છો, મને બજારમાંથી તમારો રેફરન્સ મળ્યો છે તેમ જણાવ્યું હતું. કૃણાલે પોતાની પાસે હીરો ફિનકોર્પના ૬૦૦ શેર હોવાનું જણાવી રૂ.૯૧૦ ના ભાવે વેચાણ આપવાની વાત કરી હતી.

             જીગ્નેશભાઈને રસ પડતાં તેઓએ શેર ખરીદવામાં રસ દાખવ્યો હતો. બાદમાં આરોપી કૃણાલના આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંકની વિગતો મગાવી હતી. બાદમાં જીગ્નેશભાઈએ કૃણાલના બેંક ખતામાં ૬૦૦ શેરના રૂ.,૪૬,૦૦૦ જમા કરાવ્યા હતા. કૃણાલે જીગ્નેશના ડિમેટ ખાતામાં શેર ટ્રાન્સફર કર્યા હતા. બીજા દિવસે ફરી કૃણાલે ફોન કરી જીગ્નેશને હીરો ફિનકોર્પના ૧૦૦૦ શેર રૂ.૯૧૦ના ભાવના અને ઓકલેન્ડ કંપનીના ૧૧ હજાર શેર રૂ.૬૦ ભાવના આવ્યાનું જણાવ્યું હતું. જીગ્નેશે સોદો ફાઈનલ કરી કૃણાલના ખાતામાં રૂ.૧૫.૭૦ લાખની રકમ આરટીજીએસથી ટ્રાન્સફર કરી હતી.

             જોકે કૃણાલે પૈસા મળ્યા બાદ શેર ડિમેટ ખાતામાં જમા કરાવ્યા હતા. જે બાદમાં આરોપી શેર અંગે વાયદા કરી બહાના બતાવતો રહ્યો અને છેલ્લે તો આરોપી કૃણાલે જીગ્નેશભાઈના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. હાલ રાણીપ પોલીસે અંગે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(8:10 pm IST)