Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

નોકરીના ડરથી પ્રાઈવેટ શાળાના શિક્ષકોમાં ફફડાટ

કોરોનાના કાળમાં શાળાઓ બંધ છે

અમદાવાદ, તા. ૨૪ : રાજ્યમાં શારીરિક ધોરણે શાળાઓ ફરીથી નહીં ખુલે ત્યાં સુધી ફી નહીં ભરવાના રાજ્ય સરકારના નિર્ણયથી ખાનગી શાળાના શિક્ષકોમાં ફફડાટ વધી ગયો છે. શિક્ષકો પહેલેથી વધારાના કામના કલાકો અને પગાર કાપને કારણે ટેન્શનમાં છે. મોટાભાગના શિક્ષકોનું માનવું છે કે, સરકારના પ્લાન અને વિઝનના અભાવને કારણે વિદ્યાર્થી અને શિક્ષકોની તકલીફ વધી રહી છે. કોરોના મહામારી દ્વારા સર્જાયેલા બધા અવરોધો વચ્ચે પણ શિક્ષકો ફક્ત અનિશ્ચિતતાને સમાપ્ત કરવા તેમજ શિક્ષણ આપવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે.

નોકરી ગુમાવવાનો ડર અનેકગણો વધી ગયો

*          ૪૫ વર્ષની શિક્ષિકા સુધા શાહ કહે છે કે, 'હું પાંચ સભ્યોના પરિવારમાં એકમાત્ર કમાણી કરુંં છું. મારી જવાબદારીઓ ઓછી થઈ નથી, પરંતુ પગાર ઓછો થયો છે. હું ચિંતા કરુંં છું કે જો શાળા સેવાઓ આપવા માટે ના પાડે, તો હું શું કરીશ.'

*          મણિનગરની એક સ્કૂલની દિપ્તી સિંઘ નામની શિક્ષિકાએ કહ્યું કે, 'છેલ્લા બે મહિનાથી મને મારો પગાર મળ્યો નથી, કેમ કે મેનેજમેન્ટ કહે છે કે ફક્ત ૩૫-૪૦ ટકા વિદ્યાર્થીઓએ ફી ભરી છે. હું આશા રાખીને કામ કરુંં છું કે માતાપિતા ફી ચૂકવશે અને મને પગાર મળશે. પરંતુ નિર્ણયથી મને લાગે છે કે હું નોકરી વગર રહીશ કેમ કે હું લાંબા સમય સુધી પગાર વિના સેવા આપી શકતી નથી.'

*          થલતેજની એક શાળાની શિક્ષિકા નિયતિ દેસાઈ કહે છે, 'માતા-પિતા બાળકોની કોચિંગ ક્લાસીસ માટે પૈસા ખર્ચવા તૈયાર છે, પરંતુ ફી ભરવાના તેમની પાસે લાખો કારણ છે.'

*          પ્રીતિ પરીખ નામની એક શિક્ષિકાએ જણાવ્યું કે, ' નિર્ણય યોગ્ય વિચારણામાં નથી. સરકારે સમજવાની જરૂર છે કે, શિક્ષકોને પણ પરિવાર અને તેમની જવાબદારીઓ છે. નિર્ણય આપણાં ઘણાને મારી નાખશે.'

            એસજી હાઈવે પરની એક રેપ્યુટેડ સ્કૂલે છેલ્લા બે મહિનાથી શિક્ષકોને કોઈ પગાર ચૂકવ્યો નથી. સ્કૂલના ટ્રસ્ટીઓનું કહેવું છે કે, 'અમે ફીના આધારે પગાર ચૂકવીએ છીએ.'

(8:08 pm IST)