Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

વેચાણને ફટકો પડતાં મોલના ભાડામાં ૫૦% સુધીનો ઘટાડો

ગ્રાહકોની સંખ્યામાં ૮૦ ટકા જેટલો ઘટાડો થયો છે : કોવિડ-૧૯ના કેસની સંખ્યા વધી રહી હોવાથી મોલમાં ખરીદી કરવા માટે આવતાં ગ્રાહકોની સંખ્યા ઘટીછે

અમદાવાદ, તા. ૨૪ : મહામારીના કારણે મોલમાં રહેલા સ્ટોર્સના વેચાણમાં ઘટાડો થતાં તેના માલિકોને પણ આવકની ભારે અછતનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે, ઈન્ડસ્ટ્રીના અંદાજ મુજબ, અમદાવાદના મોલમાં આવેલા સ્ટોર્સના ભાડામાં ૩૦થી ૫૦ ટકાનો ઘટાડો થયો છે. કોવિડ-૧૯ના કેસની સંખ્યા વધી રહી હોવાથી મોલમાં ખરીદી કરવા માટે જતાં ગ્રાહકોની સંખ્યા ઘટીછે. 'જેમણે રેન્ટ રિવિઝન માટે કહ્યું હતું તે તમામ બ્રાન્ડને તે આપવામાં આવ્યું છે. અમે કેટલાક માટે ભાડામાં ૩૦થી ૫૦ ટકાનો ઘટાડો કર્યો છે જ્યારે અન્ય કેટલાક સ્ટોર્સ માલિકોએ ૬થી મહિનાના સમયગાળા માટે રેવન્યૂ-શેરિંગ મોડેલને પસંદ કર્યું છે', તેમ અમદાવાદના ગુલમહોર પાર્કના ચીફ ફાયનાન્શિયલ ઓફિસર આદિત્ય શાહે જણાવ્યું. મહામારીના કારણે સ્ટોર્સના માલિકોની આવકને જબરદસ્ત ફટકો પડ્યો છે. 'ગ્રાહકોની સંખ્યામાં ૮૦ ટકા જેટલો ઘટાડો થયો છે અને વેચાણને ફટકો પડ્યોછે.

            ગ્રાહકો વિન્ડો શોપિંગ માટે આવતા નથી અને ભાગ્યે જ કોઈ ખરીદી કરે છે. જે લોકો આવે છે તેમનું બજેટ ફિક્સ હોય છે. આવી સ્થિતિમાં સ્ટોરમાલિકો માટે ખર્ચ જાળવી રાખવો મુશ્કેલ છે, ખાસ કરીને ભાડું', તેમ શહેરના એક મોલમાં કપડાનો સ્ટોર ધરાવતા જતિન શાહે (નામ બદલ્યું છે) જણાવ્યું હતું. 'અમે ભાડાની શરતો અંગે ફરીથી ચર્ચા કરવા કહ્યું છે. ભાડામાં ઘટાડો કર્યો હોવા છતાં અમે ઓપરેશન ખર્ચને ટકાવી રાખવામાં અસમર્થ છીએ', તેમ તેમણે ઉમેર્યું. મોલમાં આવેલા સ્ટોર નોકરી કરતાં એક વ્યક્તિએ જણાવ્યું કે, 'મોલની મુલાકાતે આવતા લોકોની સંખ્યા ઘટી છે અને લોકો તેમની ખરીદીનું પ્લાનિંગ કરી રહ્યા છે. જેથી આવક ઓછી થવી તે ચિંતાનો વિષય છે'. અમદાવાદ વન મોલના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ જયેન નાઈકે જણાવ્યું કે, 'પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ મોલના માલિકો અથવા રિટલરો માટે ખૂબ જ અનુકૂળ સમય નથી. ધંધાને ટકાવવા માટે અમે ભાડામાં ઘટાડો કરવા અને રેવન્યૂ-શેરિંગ મોડેલ માટે પૂરતા પ્રયાસો કર્યા છે'.

(7:59 pm IST)