Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

મહિસાગર જિલ્લાના આદિજાતિ વિસ્તારના ૧ર ગામોમાં ઉદવહન પાઇપલાઇનથી સિંચાઇ માટે ર૬ તળાવો ભરવા ૭૩.ર૭ કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી

સિંચાઇ સુવિધાથી વંચિત ૧ર ગામોની ૧૬૦૦ હેકટર જમીનમાં મળશે સિંચાઇ સવલત

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગ લિફટ ઇરીગેશન સ્કીમ અને કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇનથી લીંક કરી સિંચાઇ પાણી આપવા માટે ૭૩ કરોડ ર૭ લાખ રૂપિયાની યોજના ને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

   મુખ્યમંત્રીએ આપેલી આ યોજનાકીય મંજૂરીને પરિણામે કડાણા તાલુકાના ૧ર જેટલા આદિજાતિ ગામોના ર૬ તળાવોને ઉદવહન પાઇપલાઇન યોજનાથી કડાણા જળાશયના પાણીથી ભરીને ૧૬૦૦ હેકટર જમીનને સિંચાઇ લાભ અપાશે.
   કડાણા જળાશયની પાછળના ભાગમાં ઊંચાઇએ આવેલા કડાણા તાલુકાના આ ગામોના આદિજાતિ ધરતીપુત્રો લાંબાગાળાથી સિંચાઇ સુવિધાથી વંચિત રહેલા છે.
આ વિસ્તાર ડુંગરાળ હોવાને કારણે વરસાદી પાણી વહી જાય છે તેમજ ચેકડેમ પણ વિષમ ભૌગોલિક પરિસ્થિતીને કારણે થઇ શકતા નથી.
મુખ્યમંત્રીએ આ આદિજાતિ ગામોમાં ઇજનેરી કૌશલ્યથી સિંચાઇ સુવિધા પહોચાડવાની પ્રતિબદ્ધતા અને ઇચ્છાશકિત સાથે ૭૩.ર૭ કરોડની આ યોજનાને  સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
યોજના અંતર્ગત કડાણા તાલુકાના સરસડી ગામ પાસે કડાણા જળાશયમાં ઇન્ટેકવેલ દ્વારા ૩૮.૬ર કિ.મીટરની પાઇપલાઇન તથા ૩ પમ્પીંગ સ્ટેશન મારફતે ૧ર ગામોના ર૬ તળાવો કડાણા જળાશયના પાણીથી ભરવામાં આવશે.
  વિજયભાઇ રૂપાણીના આ આદિજાતિ કિસાન હિતકારી અભિગમને પરિણામે આદિજાતિ વિસ્તારના ખેડૂતો ધરતીપુત્રો રવિ ઋતુમાં પાક લઇ શકશે.
એટલું જ નહિ, જે ર૬ તળાવો કડાણાના પાણીથી ભરાશે તેના પરિણામે આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળસ્તર પણ ઊંચા આવતાં ખેતીવાડી-પાકની તકો પણ વ્યાપક થશે.

(7:21 pm IST)