Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કડી તાલુકાના નરસિંહપુરામાં મૃત્યુ પામેલ શખ્સના નામે ખોટા દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડવાનું કારસ્તાન રચનાર 10 વિરુદ્ધ ગુનો દાખલ

કડી:તાલુકાના નરસિંહપુરા ગામની સીમમાં ઉત્તરપ્રદેશના મૃત્યુ પામેલા શખસના નામે ચાલતી ખેતીલાયક જમીન પચાવી પાડવા મૃતકના ખોટા દસ્તાવેજો બનાવી સબ રજીસ્ટારની કચેરીમાં નોંધ કરાવી હોવાની હકીકત બહાર આવી છે. આ મામલે પૂર્વયોજિત કાવતરૃં રચનાર ૧૦ શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ આરંભી છે.

નરસિંહપુરામાં રહેતા ખેડૂત પ્રહલાદજી કાનાજી ઠાકોર ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓની ગામની સીમમાં આવેલી સર્વે નં.૨૩૩ વાળી જમીન વર્ષ ૧૯૭૧માં મૂળ ઉત્તર પ્રદેશના અને તે વખતે રણછોડપુરામાં રહેતા સરજુપ્રસાદ રામદત્ત પંડિતને વેચાણ આપી હતી. ત્યારબાદ તેઓ પોતાના વતન જતા રહ્યા હતા અને વર્ષો પહેલા તેઓનું મૃત્યુ થયું હતું. પરંતુ તેમના નામે ચાલતી હોવાની જાણ થતાં રઘુ રબારી તેમજ વિરમ રબારીને થતાં તેમણે અન્યો સાથે મળી જમીન પચાવી પાડવા કારસો રચ્યો હતો. તેમણે જમીન માલિક સરજુપ્રસાદ નામનો ખોટો વ્યક્તિ ઉભો કરી તેનો આધારકાર્ડ બનાવ્યો હતો. તથા તા.૧૮-૯-૨૦૧૯ના રોજ વેચાણ દસ્તાવેજ કરી ખોટી સહીઓ કરી દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરીને કડીની સબ રજિસ્ટારની કચેરીમાં નોંધ પડાવી હતી. સમગ્ર હકીકતની જાણ થતાં ચોંકી ઉઠેલા પ્રહલાદજી ઠાકોરે કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ૧૦ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:36 pm IST)