Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ગાંધીનગરના સે-4માં સ્થાનિક રહીશોને પૂરતું પાણી ન મળતા હાલાકીનો સામનો કરવાની નોબત આવી

ગાંધીનગર: શહેરના સેક્ટર-૪/એ અને બીમાં  છેલ્લા ઘણા દિવસથી પુરતા પ્રેસરથી પાણી નહીં મળવાની બુમરાણ મચી છે ત્યારે સ્થાનિક રહિશોને પુરતું પાણી પણ મળી શકતું નથી.ઘરની ટાંકી પણ પુરતાં પ્રમાણમાંનહીં ભરાવાથી વપરાશનું પાણી પણ મળી શકતું નથી.

હાલમાં ચોમાસાની મોસમ ચાલી રહી છે ત્યારે પાણીનો વપરાશ પણ ઘટી જતો હોય છે. જેથી તંત્ર દ્વારા લોકોને પુરતું પાણી પ્રાપ્ત થઇ શકે તે માટે વ્યવસ્થા ઉભી કરાય તેવું આયોજન પણ હાથ ધરવામાં આવતું હોય છે પરંતુ પાટનગરના ઘણા વિસ્તારોમાં પુરતા પ્રેસરથી પાણી નહીં આવવાની બુમરાણ મચવા પામી છે. જેથી જરૂરીયાત મુજબનું પાણી પણ સ્થાનિક લોકોને મળી શકતું નથી. સેક્ટર-૪/એ અને બીમાંં છેલ્લા ઘણા સમયથી પુરતા પ્રેસરથી પાણી નહીં આવતાં ઘરની ટાંકી પણ ભરાઇ શકતી નથી. અગાઉ સેક્ટરનો બોર ફેઇલ થવાના કારણે પાણીની સમસ્યા ઉભી થઇ હતી. તે વખતે તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરીને પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં જે પ્રકારે પુરતા પ્રેસરથી પાણી મળી શકતું નથી. તેના પગલે રોજીંદી જરૂરીયાતનું પાણી પણ એકત્રીત થઇ શકતું નથી અને સ્થાનિક રહિશોને હાલાકીનો સામનો પણ કરવો પડે છે. ત્યારે સ્થાનિક રહિશોએ નગરસેવકને રજૂઆત કરી હતી. આમ આ સમસ્યાનું સત્વરે નિવારણ આવે તેવી માંગ પણ કરી છે. અવાર નવાર આ સમસ્યા ઉભી થવાના કારણે  પુરતાં પ્રેસરથી પાણી મળી શકે તે માટેનું કાયમી આયોજન હાથ ધરવામાં નહીં આવતાં ના છૂટકે રહિશોને ઇલેકટ્રીક મોટરનો ઉપયોગ કરીને પાણી ખેંચવાની નોબત આવી છે.

(5:25 pm IST)