Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સુરતઃ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની બહુચર્ચિત ભવ્ય રેલી અચાનક રદ

આવતીકાલની નવસારીની કાર રેલી પણ રદઃ મોટી ભીડ એકઠી થવાના પગલે રેલી રદ કરવામાં આવી

સુરત : ભાજપના નવનિયુકત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની સુરતની રેલી અચાનક રદ કરવાનો નિર્ણય સુરત એરપોર્ટ ઉપર લેવાયો હતો. જો કે રેલીની તમામ તૈયારીઓ થઇ ગઇ હતી અને ત્યારબાદ આ નિર્ણય લેવાયો હતો. સી. આર. પાટીલ કોરોના મહામારીના કારણે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે કોઇ આગેવાનો કે કાર્યકરોને પણ નહી મળે તેમ જાણવા મળ્યું છે. આજે ભાજપનાં નવનિયુકત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું પ્રદેશ પ્રમુખ બન્ય બાદ પ્રથમ વખત સુરતમાં આગમન થતા ભાજપ દ્વારા રેલી સાથે ભવ્યાતી ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું આ રેલીનો સરથાણા-જકાતનાકાથી પ્રારંભ થનાર રેલીના પ્રારંભ પહેલા જ સોશ્યલ ડિસ્ટન્સનો ઉલાળીયો થયો હોવાનું તસ્વીરોમાં જોવા મળ્યુ હતું. (તસ્વીર - અહેવાલ : વિજય વસાણી -આટકોટ)

સુરત તા. ૨૪: સુરતમાં આજે ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની એક ભવ્ય રેલી યોજાવાની હતી પરંતુ આ રેલી અચાનક રદ કરવામાં આવી છે. સુરતમાં કોરોના મહામારીએ માજા મુકી છે તેવા સંજોગોમાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલની નવસારીની કાર રેલી પણ રદ કરવામાં આવી છે. તેમના સ્વાગત માટે સુરતમાં ગાડીઓની લાંબી કતાર લાગી હતી. પાટીલે કહ્યુ હતું કે, લોકોની લાગણી મારી સાથે છે એટલે મારે શકિત પ્રદર્શનની જરૂર નથી. આજે શહેરમાં ૩૦ કિ.મી.ની વિશાળ કાર રેલી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી તેમનું સ્વાગત કરવામાં આવનાર હતું.

પાટીલે કહ્યુ હતું કે, વર્તમાન સમયમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આ રેલી રદ કરાઇ છે. રેલી માટે ધાયા કરતા વધુ લોકો ઉમટી પડતા સુરક્ષાને ધ્યાનમાં રાખી રેલી રદ કરવામાં આવી છે. કાર્યકરો અને સમર્થકોનો પ્રચંડ ઉત્સાહ જોવા મળ્યો હતો. બધાનો પ્રેમ અને લાગણી અમારા આંખ-માથા પર. પરંતુ અમે મહામારી વચ્ચે કોઇ જોખમ લેવા તૈયાર નથી. ભવિષ્યમાં ટેકનોલોજીના માધ્યમથી સમર્થકો સાથે ચર્ચા-વિચારણા થશે.

અત્રે એ નોંધનીય છે કે કોંગ્રેસે આ સુચિત રેલી અંગે વિરોધ નોંધાવ્યો હતો.

(4:19 pm IST)