Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

રાજયમાં ઇસ્ટેમ્પીંગ વિક્રેતા દ્વારા વધારે રૂપિયા લેવાશે તો તેનુ લાયસન્સ સસ્પેન્ડ કરાશે

પ૦ અને ૩૦૦ રૂ.ના ઇસ્ટેમ્પીંગ પેપરમાં ર૦ થી પ૦ રૂ.ના ઉઘરાણા થતા હોવાની વ્યાપક લોક ફરીયાદોના પગલે : રાજયના સુપ્રી. ઓફ સ્ટેમ્પ દ્વારા તમામ જીલ્લાના સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકનના નાયબ કલેકટરને તપાસ કરી પગલા લેવા હુકમઃ રાજકોટના ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રોમાં તપાસ થશે? : રાજય સરકારે પ્રતિ ઇ-સ્ટેમ્પ દીઠ ૧૦ રૂ.નું કમિશન જાહેર કરેલ હોય ઇ-સ્ટેમ્પીંગના ફોર્મ ભરવાના સર્વિસ ચાર્જ પેટેના ૧૦ રૂ. ન લેવા તમામ વિક્રેતાઓને તાકીદ

રાજકોટ તા. ર૪ :.. રાજકોટ સહિત રાજયભરમાં ઇ-સ્ટેમ્પીંગ વિક્રેતાઓ દ્વારા ઇ-સ્ટેમ્પીંગ પેપરની નિયત રકમ કરતા વધારે ર૦ થી પ૦ રૂ.ના ઉઘરાણા થતા હોવાની ઉઠેલ વ્યાપક લોક ફરીયાદોના પગલે રાજયના સુપ્રી. ઓફ સ્ટેમ્પ અધિારીએ તમામ જીલ્લાના સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રના નાયબ કલેકટરોને લેખીત જાણ કરી તપાસ કરવાનો હુકમ કરી નિયત ઇ-સ્ટેમ્પ પેપર કરતા વધારે રૂપિયા ઉઘરાવતા ઇ-સ્ટેમ્પીંગના વિક્રેતાઓના લાયસન્સ સસ્પેન્ડ કરવા તાકીદ કરેલ છે.

ગાંધીનગરના સુપ્રી. ઓફ સ્ટેમ્પસ અધિકારીએ તા. ૧૩-૭-ર૦ર૦ન રોજ સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લી.ના રીઝીયોનલ મેનેજર તથા રાજયના તમામ જીલ્લા  સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રના નાયબ કલેકટરને પત્ર પાઠવી જાણ કરેલ છે કે, ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રોના ઓથોરાઇઝ કલેકશન સેન્ટર (એસીસી) ખાતે ઇ-સ્ટેમ્પીંગ પેપરની નિયત રકમ કરતા વધુ રકમ લેવામાં આવતી હોવાની મળેલ ફરીયાદો અંગે નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્ર - પ્રાંત અધિકારી તથા મામલતદાર દ્વારા તપાસ કરવામાં  આવતા ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રો ઉપર ઇ-સ્ટેમ્પીંગની રકમ ઉપરાંત વધારાની રકમ લેવામાં આવતી હોવાની બાબતોને સમર્થન મળેલ છે. અને તે અંગે ઘટતી કાર્યવાહી કરવા અત્રેની કચેરી દ્વારા તમામ સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્ર તથા નાયબ કલેકટરોને જાણ કરાઇ છે.

તેમજ ઇ સ્ટેમ્પીંગ ઓથોરાઇઝ કલેકશન સેન્ટર (એસીસી) ખાતે સંબંધીત કંપનીના ઇસ્ટેમ્પીંગ  માટે ભરવાનું ફોર્મ ભરી આપવા માટેની વધારાની સર્વિસના ચાર્જપેેટે રૂ.૧૦ લેવામાં આવે છે તેવું દર્શાવેલ છે. આ અંગે જણાવવાનું કે, ફોર્મ ભરાવવા માટેના અધિકાર આપને રાખવામાં  આવેલ નથી તેથી તેના માટે પણ નાણા ઉઘરાવવાના રહેતા નથી. તેમજ હવે રૂ.૧૦ વધારાનું કમિશન આપવાનું રાજય સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ છે તે સંજોગોમાં સદરહું બાબતે તાકિદ આપી  જણાવવામાં આવે છે કે, હવે કોઇ ઇસ્ટેમ્પીંગ વિક્રેતા (એસીસી) દ્વારા ઇસ્ટેમ્પીંગ પેપરમાં નિયત રકમ કરતા વધારાની રકમ લેવામાં આવશે કે ભવિષ્યમાં આવી બાબતે ધ્યાને આવશે તો  જે તે ઈ-સ્ટેમ્પીંગ વિક્રેતા (એ.સી.સી.)નું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે તમામ ઇસ્ટેમ્પીંગ વિક્રેતા (એસીસી)ને જનરલ પરિપત્ર દ્વારા જાણ કરવા અંતમાં તાકિદ કરાઇ છે.

અત્રે એ નોંધનીય છે કે, રાજકોટ શહેર સહિત અન્ય શહેરોમાં ઇસ્ટેમ્પીંગ વિક્રેતાઓ દ્વારા પ૦ રૂ. ના ઇ-સ્ટેમ્પ પેપર દીઠ ૭૦ રૂ. અને ૩૦૦ રૂ. ના ઇ-સ્ટેમ્પ પેપર દીઠ ૩પ૦ રૂ.ના ઉઘરાણા થતા હોવાની અને વધારાના રૂપિયા ન આપે તો કેનેકટીવટી બંધ છે તેમ કહી ઇ-સ્ટેમ્પ પેપર અપાતા ન હોવાની વ્યાપક લોક ફરીયાદો ઉઠી છે.

રાજકોટ શહેરમાં ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રોમાં ખુલ્લે આમ ઉઘરાણા થતા હોવા છતાં સંબંધીત તંત્રવાહકો દ્વારા હજુ સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. એકેય કેન્દ્રોમાં તપાસ પણ કરવામાં આવી નથી.

ઈ-સ્ટેમ્પીંગ કેન્દ્રોમાં ખાસ કરીને ગરીબ પ્રજા લૂંટાઇ રહી છે છતાં સંબંધીત તંત્રવાહકો એ.સી. ચેમ્બરમાંથી બહાર નીકળી તપાસ ન કરી આંખ આડા કાન કરવાની નીતિનો મુદ્દો ચર્ચાસ્પદ ઓફ સ્ટેમ્પ કચેરીના આદેશ બાદ ઈ-સ્ટેમ્પીંગ કેન્દ્રોમાં સ્થાનીક તંત્ર દ્વારા તપાસ થશે કે કેમ ? તે અંગે અનેક તર્ક-વિર્તકો થઇ રહ્યા છે.

(3:18 pm IST)