Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

50થી ઓછા માર્ક્સ આવશે કાર્યવાહી કરાશે : નોકરી જતી રહશે : સુરત ટ્રાફિક DCPનો વિવાદિત પરિપત્રથી જવાનોમાં કચવાટ

26મી જુલાઈએ આયોજિત ઓનલાઈન પરીક્ષામાં ભાગ લેવું પોલીસ અને TRB જવાનો માટે ફરજીયાત

સુરત: શહેરમાં પોલીસે આઈ ફોલો અભિયાન શરૂ કર્યું છે, જેમાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે ઉદ્દેશથી અલગ-અલગ કાર્યક્રમ કરાઈ રહ્યાં છે, જો કે આ કેમ્પઈનમાં પોલીસ અને TRBના જવાનો માટે એક પરિપત્ર જાહેર કરાયો છે, ટ્રાફિક DCPના વિવાદી પરિપત્રને પગલે પોલીસ અને TRB જવાનોમાં નારાજગી જોવા મળી છે.

કોરોનાની મહામારીમાં લોકોને થયેલા આર્થિક નુકસાનને કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસે ખાસ અભિગમ અપનાવ્યો છે, I Follow નામથી ખાસ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં 21 દિવસ સુધી ટ્રાફિકના નિયમોનું પાલન કરનારાઓને સન્માનિત કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ નિયમોનું પાલન નહીં કરનારાઓને દંડ નહીં કરી તેમને સમજાવવામાં આવી રહ્યા છે.

આજ ક્રમમાં ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરતના લોકો ઉપરાંત પોલીસ વિભાગ અને TRB જવાનોને પણ ભાગ લેવા માટે જણાવવામાં આવ્યું છે. જોકે મહત્વની વાત એ છે કે, ટ્રાફિક DCP પ્રશાંત સુંબેએ આ અંગે એક લેખિત આદેશ કર્યો છે, જેને કારણે પોલીસ વિભાગમાં રોષ ફેલાયો છે.

આ આદેશ અનુસાર, 26મી જુલાઈના રોજ આયોજિત ઓનલાઈન પરીક્ષામાં ભાગ લેવું પોલીસ અને TRB જવાનો માટે ફરજીયાત કરવામાં આવ્યું છે. આ માટે તમામે ફરજીયાત રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પરીક્ષામાં પોલીસ અને TRB જવાનોના 50થી ઓછા માર્ક્સ આવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં TRB જવાનાનું નામ માનદ સેવામાંથી કમી કરવામાં આવશે ત્યાં જ પોલીસ કર્મચારીની સર્વિસ બુકમાં નોંધ કરવામાં આવશે.

ડીસીપીના પરિપત્રને લઈને અનેક કર્મચારીઓ મૂંઝવણમાં મુકાયા છે, જેમની પાસે સ્માર્ટ ફોન નથી. આવા સંજોગોમાં કેટલાક જવાનોએ પોતાના મિત્ર પાસેથી સ્માર્ટ ફોન લેવાની નોબત આવી છે

(1:59 pm IST)