Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

અંતે કેશવકુમાર-વિનોદ મલ્લ અને સંજય શ્રીવાસ્તવને ડીજીપી તરીકે બઢતી

મૂળ જગ્યાઓ અપગ્રેડઃ કેશવકુમાર સતાવાર રીતે એન્ટીકરપ્શનના ડાયરેકટરઃ સીઆઇડી વડાનું સ્થાન ડીજીપી કક્ષાનું બનાવી રાજકોટના પુર્વ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવને યથાવત રાખવા સાથે ગુપ્તચર બ્યુરોના વડા સહીતની જવાબદારીઓ સોંપાઇઃ મુખ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને વિશેષ એક્ષટેન્શન મળવાની જોરદાર ચર્ચા

રાજકોટ, તા., ૨૪: અંતે ગૃહ મંત્રાલય દ્વારા ૧૯૮૬ બેચના એડીશ્નલ ડીજીપી કક્ષાના સિનીયર આઇપીએસોને સતાવાર રીતે ડીજીપી તરીકે બઢતી આપતા હુકમો ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.  ઉકત ત્રણેય એડીશ્નલ ડીજીપીઓને હાલની જગ્યાએ જ ડીજીપી તરીકે બઢતી અપાઇ છે.

ડીપીસી દ્વારા અપાયેલ લીલીઝંડી બાદ  ગૃહ મંત્રાલય દ્વારા રાજયના ઇન્ચાર્જ એસીબી વડા કેશવકુમારને ડાયરેકટર ઓફ એન્ટીકરપ્શન બ્યુરો તરીકે મૂળ જગ્યાએ જ બઢતી આપવામાં આવી છે.

ગાંધીનગર ખાતે પોલીસ રીફોર્મ્સમાં ફરજ બજાવતા ડો. વિનોદકુમાર મલ્લને તે જ સ્થાને ડીજી કક્ષાએ બઢતી આપતો હુકમ પણ કરવામાં આવ્યો છે.

રાજકોટના પૂર્વ પોલીસ કમિશ્નર અને  સીઆઇડી ક્રાઇમ અને રેલ્વેઝના એડીશ્નલ ડીજીપી સંજય શ્રીવાસ્તવને રાજયના સીઆઇડી વડા તરીકે ડીજીપી કક્ષાએ બઢતી  આપવામાં આવી છે.

સંજય શ્રીવાસ્તવે રાજયના ગુપ્તચર વડા અને ટેકનીકલ સર્વિસીસ અને એસસીઆરબી (સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો)નો ચાર્જ પણ વધારામાં સંભાળવાનો રહેશે.

દરમિયાન હાલના મુખ્ય પોલીસ વડા શિવાનંદ ઝાને વિશેષ એક્ષટેન્શન મળવા સાથે આગામી દિવસોમાં આઇપીએસ કક્ષાએ બઢતી-બદલીના હુકમો થનાર હોવાની જોરદાર ચર્ચાઓ શરૂ થઇ છે.(૪.૯)

(1:02 pm IST)