Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

શ્વેતા જાડેજાના પિતા દ્વારા વ્યાજ વટાવનો કારોબાર ? એ રકમ કોની?

શ્વેતા જાડેજાના ફરાર બનેવી દેવેન્દ્ર ઓેડેદરાની કોલ ડીટેઇલ્સમાં ચોંકાવનારી વિગતો ખુલીઃ જેલમાં જઇ સસ્પેન્ડેડ મહિલા પીઆઇની પુછપરછ કરાશેઃ એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો. હર્ષદ પટેલ સાથે અકિલાની વાતચીતઃ જામજોધપુર-ઉપલેટા અને કેશોદ જવા એસઓજી ટીમો રવાનાઃ ખાનગીમાં ભારે ધમધમાટ

રાજકોટ, તા., ૨૪: દુષ્કર્મના કેસના આરોપી પાસેથી તેમની સામે બે થી વધુ કેસ હોવાથી આ મામલામાં પાસા ન કરવા માટે ૩૫ લાખની લાંચ, એક લાખથી વધુ કિંમતનો ફોન અને અન્ય રોકડ તથા અન્ય એક કેસમાં ૧૦ લાખની લાંચ મળી કુલ ૪૫ લાખથી વધુ રકમની લાંચ ટુંકાગાળામાં લેવાનો જેમના પર આક્ષેપ છે તેવા અમદાવાદના સસ્પેન્ડેડ ઇન્ચાર્જ મહિલા પીઆઇ શ્વેતા જાડેજાના જામીન નામંજુર થવાના પગલે તેની સામેના આક્ષેપો તથા આંગડીયા પેઢી મારફત થયેલી લાખો રૂપીયાની હેરફેરની તમામ વિગતો મેળવવા માટે એસઓજી બ્રાન્ચ જેલમાં જઇ મહિલા પીઆઇ શ્વેતા જાડેજાની પુછપરછ કરવા ખાસ મંજુરીથી પુછપરછ કરશે તેમ અકિલા સાથેની વાતચીતમાં એસઓજી ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.હર્ષદ પટેલે જણાવ્યું હતું.

દરમિયાન પોતાના બનેવી દેવેન્દ્રભાઇ ઓડેદરાને કહેવાતી લાંચની રકમ મોકલનાર શ્વેતા જાડેજાના પિતા હમીરભાઇ સામે કેશોદમાં ઉંચા વ્યાજે નાણા ધીરવાનો ગુન્હો નોંધાયો છે તે મામલાના કેસ પેપર કેશોદથી મંગાવવા સાથે જે રકમો વ્યાજે ફરી રહી છે તે રકમ સાથે શ્વેતા જાડેજાનું કોઇ કનેકશન છે કે કેમ? તે બાબતે તપાસ કરવા એસઓજીની એક ખાસ ટીમ કેશોદ જવા નિકળ્યાનું એસઓજીના ટોચના સુત્રો જણાવે છે. એસઓજીને એવી આશંકા છે કે શ્વેતા જાડેજાની તમામ રકમો વ્યાજે ફરી રહી છે અન્ય કોણ-કોણ લોકો આ વ્યાજના ધંધામાં શ્વેતાવતી કાર્ય કરી રહયા છે તે બાબતના આક્ષેપો અંગે પણ એસઓજી દ્વારા તપાસ શરૂ થઇ છે.

શ્વેતાના બનેવી દેવેન્દ્રભાઇ ઓડેદરાની કોલ ડીટેઇલ્સ દરમિયાન આંગડીયા પેઢીના એક જવાબદાર સ્ટાફની રકમ લેતી-દેતીની વાતો એસઓજી તપાસમાં બહાર આવતા આ રકમ કોને અને કયા હેતુથી મોકલી છે  તે બાબતની તપાસ એસઓજી દ્વારા ચલાવાઇ રહી છે.

શ્વેતા જાડેજાના બનેવી દેવેન્દ્રભાઇ ઓડેદરા સમગ્ર બાબતોથી જાણકાર હોવાથી  તેઓને શોધવા માટે એસઓજી દ્વારા જામજોધપુર, ઉપલેટા અને કેશોદ સહીત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં બાતમીદારોનું નેટવર્ક એકટીવ કરવા સાથે ખાસ ટીમો પણ કામે લાગ્યાનું એસઓજી બ્રાન્ચના ડીસીપી ડો.હર્ષદ પટેલે અકિલા સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું.

(11:41 am IST)