Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના સ્વાગત બેનર પર શાહી લગાવાઇ : ચર્ચા

વરાછામાં ૧૫ બેનરો ઉપર શાહી લાગી : કડક પગલા ભરવા ભાજપની માંગ

સુરત તા. ૨૪ : સુરતમાં આજે નવા વરાયેલા પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલના આગમનને વધાવવા લાગેલા બેનરો ઉપર કોઇએ કાળી શાહી લગાવી દેતા ભારે ચર્ચા જાગી છે.

આજે નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર સુરત આવી રહ્યા છે. જેને લઈને તેમના સ્વાગતમાં કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે તેમના સ્વાગતમાં ઠેર-ઠેર બેનરો લગાવવામાં આવ્યા છે. જોકે, રાત્રી દરમિયાન કેટલાક શખ્સો દ્વારા બેનરના વડાપ્રધાન, મુખ્યમંત્રી, સી.આર પાટીલ સહિતના ભાજપના નેતાઓના ચહેરા પર કાળી શાહી લગાવવામાં આવી છે. જેથી વિરોધ ઉઠી રહ્યો હોવાનું સામે આવ્યું છે. જયારે આ બેનર પરના ઉપમુખ્યમંત્રી નિતીન પટેલના ચહેરા પર શાહી ન લગાવવામાં આવતા પટેલ અને પાટીલ વચ્ચે અંતર બહાર આવી રહ્યો હોવાની શકયતાઓ સેવાઈ રહી છે.

યોગિચોક વિસ્તારમાં સાવલિયા સર્કલ પર રાત્રે કફર્યુના સમયમાં બેનર લાગ્યા હતા. જેનો સ્થાનિક દ્વારા શાહી લગાડી વિરોધ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આજે નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની રેલી પૂર્વે વિરોધ બહાર આવ્યો છે. કાપોદ્રા ફૂટ ઓવર બ્રિજ પર લાગેલા બેનરમાં તમામ નેતાઓના મોઢા પર પણ શાહી લગાડવામાં આવી છે. જયારે ઉપમુખ્યમંત્રી નિતીન પટેલના ચહેરાના કોરો રાખવામાં આવ્યો છે. આ સાથે કાવતરાખોર સામે કડક પગલાં ભરવા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા માંગ કરવામાં આવી છે. વરાછા વિસ્તારના ૧૫-૨૦ જેટલા બેનરો પણ સહી લગાડવામાં આવી છે. પાટીદાર વિસ્તારમાં પાટીદારોના નામે આવકારતા બેનરો ઉતરાવી લેવાયાનું અને આક્રોશ ફેલાયાનું પાસના નિખીલ સવાણીએ સોશ્યલ મીડિયા ઉપર જણાવ્યું છે.

(11:38 am IST)