Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

રાજયમાં હવે સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે સ્કૂલો શરૂ કરવાની તજવીજ

ત્રણ મહિનાના ત્રણ વિકલ્પ સાથેની ગાઇડલાઇન તૈયાર થશેઃ ચર્ચા વિચારણાના અંતે કયાં મહિને શરૂ કરવી તેનો નિર્ણય થશે

અમદાવાદ તા. ર૪ :.. સ્કૂલો શરૂ કરવાના આયોજન અંગે ગુરૂવારના રોજ ગાંધીનગર સ્થિત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કચેરીમાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સ્કૂલો શરૂ કરવા અંગે કુલ ત્રણ વિકલ્પ સાથેની ગાઇડલઇન તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સપ્ટેમ્બર, ઓકટોમ્બર અને નવેમ્બર આ ત્રણ પૈકી જે મહિનામાં સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લેવાશે. તેમાં ક્રમશઃ પ્રથમ, બીજો અને ત્રીજો વિકલ્પ અમલમાં મુકવામાં આવશે. આ વિકલ્પ પ્રમાણે તૈયાર થનાર ગાઇડ લાઇનમાં મુખ્યત્વે શૈક્ષણીક કાર્યના દિવસો, વેકેશનના દિવસો, સ્થાનિક રજાઓ, પરીક્ષાનું આયોજન તેમજ અભ્યાસક્રમનું આયોજન નકકી કરવામાં આવશે.

જેના માટેની ટૂંક સમયમાં ફરીથી બીજી બેઠક બોલાવવામાં આવશે. બીજી તરફ MHRDએ ઓગસ્ટથી ઓકટોમ્બર સુધીમાં સ્કૂલો શરૂ કરવાના અભિપ્રાય માગ્યા છે.

શિક્ષણ મંત્રીની સુચના મુજબ જે તે સમયની પરિસ્થિતિને ધ્યાને લઇ જો શાળાઓ સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરી શકાય તેમ હોય તો શૈક્ષણીક કાર્યના દિવસો અને અભ્યાસક્રમના આયોજન અંગે વિકલ્પ-૧ મુજબ આયોજન તૈયાર કરાશે. ઓકટોબરમાં શાળાઓ શરૂ કરી શકાય તેમ હોય તો વિકલ્પ-ર મુજબ અને નવેમ્બરમાં શાળાઓ શરૂ કરી શકાય તેમ હોય તો વિકલ્પ-૩ મુજબ આયોજન તૈયાર કરવું તેમ આ બેઠકમાં નકકી કરવામાં આવ્યું છે. આ અંગે વિચારણા કરવા માટે ફરીથી બેઠક બોલાવવામાં આવશે. સ્કૂલો કયારથી શરૂ કરવી તે મુદ્ે રાજયના પ્રતિનિધીઓ સાથે ૧પ મીએ કેન્દ્ર સરકારની  વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં ૧પ રાજયોએ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સ્કૂલો શરૂ કરવાની સંભવિત તારીખો જાહેર કરી હતી. ગુજરાતમાં સ્કુલો શરૂ કરવા અંગે સરકારે હજુ સુધી કોઇ નિર્ણય લીધો ન હોવાનું આ વિડીયો કોન્ફરન્સમાં જણાવાયું હતું.

આ મુદાના આધારે આખરી નિર્ણય

શૈક્ષણિક કાર્યના દિવસો, વેકેશનના દિવસો, સ્થાનિક રજાઓ, પરીક્ષાનું આયોજન, અભ્યાસક્રમનું આયોજન

(11:29 am IST)