Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

લોકડાઉનમાં ગુજરાતના પેટ્રોલિયમ ડિલર્સને રૂ.૩૦૦૦ કરોડનું નુકસાન

એપ્રિલ અને મે મહિનામાં વેચાણ ફકત ૧૦ થી ૧પ ટકા હતું, હવે વધીને ૮પ ટકા જેટલું થયું

નવી દિલ્હી, તા. ર૪ : કોરોના વાઇરસથી રાજયમાં દેશના અન્ય રાજયોની માફક જ લદાયેલા લોકડાઉનથી વાહન વ્યવહાર બે મહિનાથી વધારે સમય બંધ રહેતા ૪૦ હજાર કરતા વધારે પેટ્રોલ પમ્પોને અંદાજે રૂ. ૩૦૦૦ કરોડનું નુકશાન સહન કરવું પડયું છે. પેટ્રોલિયમ ડિલરના સંગઠને કેન્દ્રના પેટ્રોલિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને રજૂઆત કરીને રાહત મળે તે માટે કહ્યું છે.

ગુજરાત રાજય પેટ્રોલ ડિલર્સ એસોસીએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું કે, કેન્દ્રએ અમારા કમિશનમાં રપ ટકાનો વધારો કરી આપવો જોઇએ, જેનાથી અમારા વ્યવસાયને થયેલા નુકસાનની થોડી કળ વળશે.

પેટ્રોલ-ડિઝલના આસમાને પહોંચેલા ભાવ અંગે તેમણે કહ્યું કે, આ બધી બાબતો સરકારની નીતિ અને આંતરરાષ્ટ્રીય બજારના પ્રવાહ આધારિત હોવાથી આપણે કશું કરી શકતા નથી. હાલમા઼ પેટ્રોલિયમ ડિલર્સને રાજયમાં ૧ લીટરના વેચાણ પર ૪ રૂપિયાનું કમિશન મળે છે. તેમાં રપ થી ૩૦ ટકાનો વધારો માગવામાં આવ્યો છે.

જોકે કેન્દ્ર સરકારે આ બાબતમાં કોઇ જવાબ આપ્યો નથી અને વધારા માટેની દરખાસ્ત સરકારમાં વિચારાધિન છે. અત્યારની સ્થિતિમાં કેન્દ્ર કે રાજય સરકાર કોરોનાના ખર્ચને પહોંચી વળવા માટે કરોડોનો ખર્ચ સામે કરી રહી છે ત્યારે સરકાર નવો આર્થિક બોજ પ્રજા પર કમિશનના નામે નાંખે તેવું લાગતુ નથી.

કોરોનાની પરિસ્થિતિમાં જેમ જેમ સુધારો થઇ રહ્યો છે તેમ તેમ પેટ્રોલ અને ડિઝલના વેચાણમાં વધારો થતો જાય છે. એપ્રિલ અને મે મહિનામાં વેચાણ ફકત ૧૦ થી ૧પ ટકા હતું પણ તે હવે વધીને લગભગ ૮પ ટકા જેટલું થઇ ગયું છે. આમ વેચાણમાં વધારો થઇ રહ્યો છે. ખાનગી વાહનોની સાથે હવે પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ વધી રહ્યુ છે.

એક પ્રશ્નના ઉત્તરમાં ઠક્કરે કહ્યું કે, કદાચ ગુજરાતમાં દેશના અન્ય રાજયોની સરખામણીમાં ઔદ્યોગિક ઉત્પાદનોની હેરફેર વાહનો મારફત વધી છે. એક મહિનામાં લગભગ ૮૦થી ૮પ કરોડ રૂપિયાના પેટ્રોલિયમનું વેચાણ થાય છે. જેમાં ર૩ કરોડનું પેટ્રોલ અને પપ કરોડના ડિઝલનો સમાવેશ થાય છે. આવી કોરોનાની સ્થિતિમાં પણ અમદાવાદમાં બે પેટ્રોલ પંપ ધરાવતા અજય જાનીએ પોતાનું કમિશન ઓછું કરીને પેટ્રોલ વેંચીને નવો રાહ ચીંધ્યો છે.

(10:23 am IST)