Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

'કોરોના'ની અસર મને થશે તેવી માનસિકતા સાથે જ હું ફરજ બજાવતો હતો : આઇજી હરીકૃષ્ણ પટેલ

મને સુરતની વિશેષ જવાબદારી સુપ્રત થઇ હોય ત્યારે હું ઘર પકડીને કઇ રીતે બેસી શકું: અકિલા સાથે સિનીયર આઇપીએસની વિશેષ વાતચીત

રાજકોટ, તા., ૨૪: કોરોના મહામારી  ટોચ પર પહોંચતા મને સુરત શહેરમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં ફરી લોકોને આ મહામારી સામે જાગૃત કરવાની વિશેષ જવાબદારી સાથે મોકલ્યો હોય ત્યારે હું આવા વિસ્તારોમાં દોડવાના બદલે મારી ઓફીસ કે ઘેર બેસી રહુ તે કેવી રીતે શકય છે? તેમ અકિલા સાથેની વાતચીતમાં સિનીયર આઇપીએસ અને આઇજી કક્ષાના ખાસ ગાંધીનગરથી સુરત પોલીસની મદદે મુકાયેલા હરીકૃષ્ણ પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

હરીકૃષ્ણ પટેલે અકિલા સાથેની વાતચીતમાં વિશેષમાં જણાવેલ કે હું લાંબા સમયથી કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં ફરતો હોવાથી મને ગમે ત્યારે અસર થઇ શકે તેવી  રીતે હું માનસીક તૈયારી સાથે જ રહેતો હતો. તેઓએ જણાવેલ કે પોતાના સ્ટાફના ઓપરેટર કે જેઓ સંક્રમીત વિસ્તારમાંથી આવતા હતા. તે બાબત કારણભુત બન્યાનું પણ અનુમાન છે.

અત્રે યાદ રહે કે સંક્રમીત વિસ્તારોમાં અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જઇ વિશેષ જવાબદારી સંભાળતા હરીકૃષ્ણ પટેલનો  રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ પોતાના ઘેર હોમ કોરોન્ટાઇન થયેલ. અન્ય સ્ટાફ કે બીજા લોકો સંક્રમીત ન બને તે માટે તેઓએ હોસ્પીટલાઇઝ થવાનો નિર્ણય કર્યો છે. સુરતમાં લાંબો સમય ડીસીપીથી લઇ જોઇન્ટ પોલીસ કમિશ્નર દરજ્જે ફરજ બજાવી હોવાથી તેઓની સુરત માટે વિશેષ પસંદગી થઇ હતી. આ અગાઉ આઇપીએસ સુશીલ અગ્રવાલ અને મહિલા ડીસીપી વિધી ચૌધરીને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે.

અત્રે યાદ રહે કે સુરતમાં ફરજ પર મુકાયેલા પાંચ ઓફીસરો સહીત સુરતના પોલીસ કમિશ્નર આર.બી. બ્રહ્મભટ્ટ અને એડીશ્નલ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને ટ્રાફીક) એચ.આર.મુલીયાણા યુવાનોને સરમાવે તેવી સ્ફુર્તીથી ફરજ બજાવી રહયા છે. જેની નોંધ સુરતવાસીઓ લઇ રહયા છે.

(1:07 pm IST)