Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

રાજપીપળામાં ડૉ. સમીર મેહતા, પાલિકા સભ્ય, નર્સ સહિત 40 કોરોના સંક્રમણનો શિકાર બન્યા

કુલ કેસની સંખ્યા 272 થઇ :કોવિડ હોસ્પિટલ ખાતે કુલ 236 દર્દીઓ સારવાર હેઠળ

 

રાજપીપળા: નર્મદા જિલ્લામાં જાહેર થયેલા કોરોનાનાં દર્દીઓમાં રાજપીપળાનાં પ્રખ્યાત તબીબ ડો. સમીર નયન મેહતા, રાજપીપળા પાલિકાનાં કોર્પોરેટર સલીમ ઈસ્માઈલ સોલંકી, રાજપીપળા પોલિસ મથકમાં દારૂના ગુના હેઠળ ધરપકડ કરાયેલા 2 આરોપીઓ પૈકી સતીશભાઈ મેલસિંગભાઈ વસાવા, મેમદભાઈ માનસિંગભાઈ વસાવા તથા રાજપીપળા સિવિલ હોસ્પિટલની નર્સ અનિલાબેન વસાવા સહિત 40 વ્યક્તિઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા હતાં.

રાજપીપળા પોલિસ મથકમાં પીઆઈ આર.એમ.રાઠવાએ જણાવ્યું હતું કે, “કોઈ પણ આરોપીને લાવતા પહેલાં અમે એમનો કોરોના ટેસ્ટ કરાવીએ છે. બંન્ને આરોપીઓને અમે અલગ રૂમમાં રાખ્યાં હતાં અને એમનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા એમને રાજપીપળા કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.”

નર્મદા જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ 32, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં વધુ 16 અને ટ્રુનેટ ટેસ્ટમાં વધુ 2 સહિત જિલ્લામાં વધુ કુલ 40 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજ દિન સુધી RTPCR ટેસ્ટમાં 180, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 82 અને ટ્રુનેટ ટેસ્ટમાં 10 પોઝિટિવ કેસ સહિત કુલ 272 પોઝિટિવ કેસ નોંધાવા પામ્યાં છે.

રાજપીપળાની કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 4 દર્દીઓ, કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 5 દર્દીઓ સહિત કુલ-9 દર્દીઓને આજે રજા અપાતા જિલ્લામાં આજ દિન સુધી રાજપીપળાની કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 114 દર્દીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા 21 દર્દીઓ સહિત કુલ 135 દર્દીઓ રજા આપવામાં આવી છે.

આમ, વડોદરા ખાતે રીફર 2 દર્દીઓ અને અમદાવાદ ખાતે રિફર 1 દર્દી ઉપરાંત રાજપીપળાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ 85 દર્દીઓ અને કોવીડ કેર સેન્ટર ખાતે 48 દર્દીઓ સહિત કુલ 236 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે RTPCR ટેસ્ટમાં 60, એન્ટીજન (રેપીડ) ટેસ્ટમાં 38 અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટનાં 12 સહિત કુલ 110 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

(11:30 pm IST)