Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સાંસદ સીઆર પાટીલનું સુરતમાં સ્વાગત કરવા આવશે

પદ સંભાળ્યા બાદ પક્ષ પ્રમુખ હોમટાઉનની મુલાકાતે : ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનેલા નવસારીના સાંસદના અભિવાદન કાર્યક્રમમાં કોરોનાને લઈને તકેદારી રખાશે

ગાંધીનગર, તા. ૨૩ : ગુજરાત ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનું તેમના હોમ ટાઉન  સુરત ખાતે સુરત મહાનગર અને જિલ્લા ભાજપા દ્વારા હજારો કાર્યકર્તાઓ, આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરીકો, શુભ ચિંતકો તેમજ પ્રજાજનોની હાજરીમાં આવતીકાલે તારીખ ૨૪ જુલાઇના રોજ ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાજી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી.આર. પાટીલની નિયુક્તિ કરવામાં આવી હતી.  

           સી. આર.પાટીલ તેમના લોકસભા ક્ષેત્ર નવસારી તેમજ સુરત જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં તેમના લોક કલ્યાણકારી અભિગમ અને નાગરિકોની સમસ્યાઓમાં મદદરૂપ થવા માટેની તત્પરતા માટે અપાર લોકચાહના ધરાવે છે. આ લોકચાહનાના પ્રચંડ પ્રતિસાદ સ્વરૂપે ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમની થયેલી વરણીના અનુસંધાને સુરત ખાતે સુરતના પ્રવેશ દ્વાર સરથાણા જકાતનાકા- વાલક પાટિયા ખાતે બપોરે ૧૨-૦૦ કલાકે હજારો કાર્યકરો શુભેચ્છકો અને આગેવાનો દ્વારા ગુજરાત ભાજપાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર.પાટીલનું અભૂતપૂર્વ સ્વાગત માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

          અત્રે નોંધનીય છે કે હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ માર્ગદર્શિકાઓનું સંપૂર્ણપણે પાલન થાય તે મુજબ સુનિશ્ચિત આયોજનને અનુલક્ષીને ફેસ કવર માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સિંગની પુરતી તકેદારી રાખીને ૧૦૦૦ મીટર લાંબા ભાજપાના ધ્વજ સાથે નવનિયુક્ત અધ્યક્ષનું સ્વાગત અને પુષ્પ વર્ષા દ્વારા અભિવાદન કરવામાં આવશે. ત્યારબાદ વાહન રેલી સ્વરૂપે ફક્ત કારના સમાવેશ સાથે આ રેલી વાલક પાટીયા થી શરૂ થઈ સરથાણા જકાતનાકા - કાપોદ્રા - હીરાબાગ - મીની બજાર. - દેવજી નગર - ભવાની સર્કલ - અલકાપુરી બ્રીજ  - કિરણ હોસ્પિટલ - ગોધાણી સર્કલ - કતારગામ દરવાજા - મુગલીસરા - ચોક  - સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ - નાનપુરા થઈ અઠવાગેટથી મજુરા ગેટ - ઉધના દરવાજા - ભાજપા કાર્યાલય - ઉધના સોસ્યો સર્કલ અને ત્યારબાદ સી.આર.પાટીલના કાર્યાલય અંબા નગર ખાતે પહોંચશે. આ અભિવાદન કાર્યક્રમ ઉપસ્થિત રહેનાર તમામ કાર્યકર્તાઓ આગેવાનો તેમજ પ્રજાજનોને કોવિડo૧૯ ની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન થાય તેમ જ પૂરતી તકેદારી રાખવાની તાકીદ કરવામાં આવી છે.

(8:55 am IST)