Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

નકલી ઇન્જેક્શન કાંડના બે આરોપી પાંચ દિ'ના રિમાન્ડ

ટોસિલિઝૂમેબના નકલી ઇન્જેક્શનોનો મામલો : અમદાવાદમાં કોણે કોણે નકલી ટોસિલિઝૂમેબ ઈન્જેકશન આપ્યા સહિતના મુદ્દે તપાસ પોલીસે તપાસ શરૂ કરી

અમદાવાદ,તા.૨૩ : નકલી ટોસિલિઝૂમેબ ઇન્જેક્શન કાંડમાં ક્રાઈમ બ્રાન્ચે પકડેલા બે આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ પર મોકલી આપવા હુકમ કર્યો  છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યુ છે કે, નકલી ટોસિલિઝૂમેબ ઇન્જેક્સન સુરતના સોહેલે આપ્યા હતા. બીજી તરફ પોલીસને એવી આશંકા છે કે, ટોસિલિઝૂમેબની તંગી હતી જેથી આરોપીઓએ આર્થિક લાભ માટે સંખ્યાબંધ લોકોને નકલી ઇન્જેક્શન વેચ્યા છે. પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.નકલી ઇન્જેક્શન કાંડમાં ઝડપાયેલા નિલેશકુમાર ચંદ્રકાંતભાઇ લાલીવાલા અને હર્ષ ભરતભાઇ ઠાકોરને ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા.                                               જ્યાં સરકાર વતી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, હર્ષે આરોપી નિલેષ પાસેથી ઇન્જેક્શન મેળવ્યા હતા જ્યારે નિલેષે સુરતના ઇસ્માઇલ તાઇનાની પાસેથી તે ઇન્જેક્શન મંગાવ્યા હતા તો સોહેલ ઇસ્માઇલ ક્યાં છે?, ઝડપાયેલા આરોપીઓએ અન્ય આરોપી આશિષ અને અક્ષય શાહને ઇન્જેક્સન કોરોનાની દવા છે તેમ કહી ૮૦ હજારમાં આપ્યા હતા. જોકે, ઝડપાયેલ આરોપી પૈસા મેળવ્યા નહીં હોવાનું જણાવે છે તેથી બધાની સાથે રાખી આરોપીઓની પુછપરછ કરવી જરૂરી છે, નહીં પકડાયેલા આરોપીઓને ઝડપાયેલા આરોપીઓ સારી રીતે ઓળખે છે તેમના સરનામાથી   વાકેફ છે તેથી સાથે રાખી તપાસ કરવી અનિવાર્ય છે, જે દવા ભોગબનનારને મોકલી તેનું નામ આરોપીઓએ કેવી રીતે બદલ્યું? કોણે બદલ્યું? દવાના બોક્સ ક્યાં બનાવ્યા? સહિતના મુદ્દે તપાસ જરૂરી છે,કોરોના જેવી મહામારીના સમયે લોકોના જાનને જોખમમાં મુકી સ્ટીરોઇડના નામે નકલી ઇન્જેક્શન બનાવ્યા છે,

              આર્થિક ફાયદા માટે લોકોના જીવને જોખમમમાં મુકવાની પ્રવૃત્તિની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે, આરોપી મેડિકલ ક્ષેત્રે કોઇ જાણ કારી ધરાવે છે કે નહીં? આરોપીએ અન્ય કોઇને પણ નકલી દવા વેચી છે કે નહીં?, આરોપીઓ પાસેથી મળેલ નકલી દવા સિવાય પણ તેમણે મોટો જથ્થો લાવ્યાની આશંકા છે, આરોપીઓ લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરવાની પ્રવૃત્તિ કરી છે તે કોના કહેવાથી કરતા હતા?, આરોપીઓ અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે નહીં સહિતના મુદ્દે તપાસ માટે સાત દિવસના રિમાન્ડની જરૂરી છે. ત્યારબાદ કોર્ટે બન્ને આરોપીને પાંચ દિવસના રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે.ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓના કોલ ડિટેઈલ મેળવીને તપાસ ચાલુ કરી નકલી ઇન્જેક્શન વેચી લોકોના જીવને જોખમ મુકવાના ગંભીર કેસમાં પોલીસે આરોપીઓના મોબાઇલ નંબર મેળવ્યા છે અને કોલ રેકોર્ડ ડિટેઇલ પણ મેળવી તપાસ શરૂ કરી છે. આરોપીઓ છેલ્લા કેટલા સમયથી પ્રકારની પ્રવૃત્તિમાં જોડાયા હતા અને આરોપીઓ એક બીજાના સંપર્કમાં કઇ રીતે આવ્યા સહિતના મુદ્દે તપાસ ચાલુ કરી છે.

(10:04 pm IST)